(સંવાદદાતા દ્વારા)
સુરત, તા.૩
સુરત શહેરમાં નિસર્ગ વાવાઝોડાની અસરને લઈને સુરત જિલ્લા કલેક્ટરે લોકોને સાવચેત કર્યા હતા કે, શક્ય હોય ત્યાં સુધી પોતાના ઘરોમાં જ રહો. ખેડૂતોએ પોતાની ઊપજ વરસાદમાં નહીં ભીંજાઈ તેની તકેદારી રાખવા જણાવ્યું છે. બપોર પછી વાતાવરણમાં પલટા સાથે ઝડપી પવન ફૂંકાયો હતો જેને કારણે શહેરભરમાં માટીના ડમરી ઉડી હતી. વાવાઝોડા દરમ્યાન શું કરવું અને શું ન કરવું એના માટે જિલ્લા કલેક્ટર ડૉ.ધવલ પટેલ સુચનાઓ આપી છે કે, પોતાના ઘરથી શક્ય હોય ત્યાં સુધી બહાર ના નીકળવું. પાકા મકાનોમાં રહો. નીચાણવાળા વિસ્તારોમાં રહેતા કે દરિયાકાંઠાથી ત્રણ કિલોમીટર સુધીના કાચા મકાનમાં રહેતા ૧૬૭૨ લોકોને તંત્ર દ્વારા સલામત સ્થળે ખસેડાયા છે. બીજી કોઈ સૂચના ના મળે ત્યાં સુધી તેઓ ઘરેથી જવાની ઉતાવળ ન કરે. દરિયા કિનારે ન જવું, સુરતના દરિયાકાંઠાના વિસ્તારો પ્રતિબંધિત કરવામાં આવ્યા છે. માછીમારી કરવા ન જવું. વરસાદ કે વંટોળના ફોટા પાડવા કે સેલ્ફી પાડવા બહાર નહીં નીકળવું. સુરતની જ્યાં સુધી વાત છે ત્યાં સુધી ૭૦થી ૮૦ કિલોમીટર કે પછી ૯૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. આટલા પવનમાં ઝાડની મોટી ડાળીઓ તૂટી પડવાની કે વૃક્ષો ધરાશાયી થવાની સંભાવના રહે છે અને મોટી ડાળીઓ તૂટી પડવાની નબળા વૃક્ષો ધરાશાયી થવાની સંભાવના રહે છે. આથી ઝાડથી દૂર રહેવા સર્વેને વિનંતી છે. હવામાં ફંગોળાઈ શકે તેવી વસ્તુઓને સાચવીને અંદર રાખવી અથવા તો મજબૂત રીતે બાંધીને રાખવી. ખેડૂતોએ પોતાની ઊપજને વરસાદમાં પલળવાનાના પ્રશ્નો ઉપસ્થિત નહીં થાય તેની તકેદારી રાખવા જણાવ્યું છે, આમ સુરત જિલ્લા કલેક્ટરે આવનારી પરિસ્થિતિને લઈને લોકોને તકેદારી રાખવાની સાથે ચેતવ્યા છે.

અડાજણની રેવાનગર ઝૂંપડપટ્ટીમાંથી અનેક લોકોનું સ્થળાંતર : તંત્ર એલર્ટ

પાંડેસરા અને અડાજણ વિસ્તારમાંથી નિસર્ગ વાવાઝોડાની સંભવિત અસરને પગલે લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. અડાજણના રેવાનગર ઝૂંપડપટ્ટીમાંથી ૭૦ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. પાંડેસરા વિસ્તારમાં આવેલી જર્જરીત બિલ્ડિંગોની પાલિકા કમિશનરે મુલાકાત લીધી છે. પાલિકા કમિશનરની હાજરીમાં જર્જરીત બિલ્ડિંગમાં રહેતા લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. સાથે જ આ બિલ્ડિંગ જોખમી હોય તેની નજીક ન જવા લોકોને સૂચના આપતું બેનર પણ લગાવી દેવામાં આવ્યું છે. નિસર્ગ વાવાઝોડાને લઈને તંત્ર એલર્ટ થયું છે. સુરતમાં ઝડપી પવન ફૂંકાવવાની શક્યતા રહેલી છે. તેમજ અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જેને લઈને તંત્ર એલર્ટ થયું છે. સુરતમાં મનપા કમિશનરે સુરતના પાંડેસરા વિસ્તારની મુલાકત લીધી હતી. તંત્ર દ્વારા અહીં તકેદારીના ભાગરૂપે તમામ બિલ્ડિંગ ખાલી કરાવવામાં આવી હતી અને તમામ લોકોને સલામત સ્થળે ખસેડ્યા હતા. મનપા કમિશનર ખુદ અહીં હાજર રહ્યા હતા તેમણે હાજર રહી આ કામગીરી કરાવી હતી.