અમરેલી,તા.૧
અમરેલીમાં ધુળિયા માર્ગના કારણે નગરપાલિકાને જવાબદાર નેતાઓ દોષિત ઠરાવી વર્તમાન પત્રોમાં સમાચાર આપી પાલિકાને બદનામ કરાતા પાલિકા પ્રમુખ રાણવાએ જણાવ્યું હતું કે આ બાબતે પાલિકા ક્યાંય જવાબદાર નથી. હિત શત્રુઓ અને ખાટ સંવાદિયા કહેવાતા નબળી માનસિકતાવાળા સમર્થકો દ્વારા નગરપાલિકાને દોષ દઈ પોતાના રાજકીય રોટલા શેકી રહ્યા છે.
પાલિકા પ્રમુખ રાણવાએ વધુમાં જણાવેલ હતું કે રાજ્ય સરકાર દ્વારા ચાલી રહેલ ભુગર્ભ ગટર યોજના ધોળા હાથી સમાન સાબિત થઈ છે. જે યોજનાએ છેલ્લા ચાર વર્ષથી પાલિકાને બાનમાં લીધી છે. તેમણે જણાવ્યું હતું કે આ અંગેના કામો પણ સત્તાધારીઓના સમર્થકો દ્વારા થઈ રહ્યા છે. અને આ કામોમાં વિપક્ષના નેતાઓ દ્વારા ભાગ બટાઈ પણ કરાતી આવતી હોવાનું જણાવ્યું હતું.
આ સમસ્યામાંથી શહેરને ઉગારવા માટે જવાબદાર પદાધિકારીઓ જેવા કે સાંસદો, ધારાસભ્યો અને તેના સમર્થકોએ વર્તમાન પ્રમુખને કે ભુતકાળના પ્રમુખને પાલિકા બોર્ડને રૂબરૂ કે ટેલીફોનિક પદ્ધતિ કરી છે કે નહીં તેની જાહેરમાં સ્પષ્ટતા કરે વધુમાં કહ્યું હતું કે, પોતાના સત્તાકાળમાં કેટલી ગ્રાન્ટો શહેરનાં વિકાસમાં કેવી અને કોના માધ્યમથી કોની સાથે રાખીને ફાળવી તેની પણ સ્પષ્ટતા કરે નગરપાલિકાના વર્તમાન બોર્ડને ખોટી રીતે બદનામ કરતા પહેલા તેમના શાસન વખતે થયેલ કામો કોણે કર્યા અને કુટુંબવાદ કર્યો કે પાર્ટીવાદ તેની પણ સ્પષ્ટતા કરવા જણાવ્યું હતું.
શહેરની વર્તમાન હાલત માટે પોતાનું બોર્ડ કે અગાઉ કોઈ જવાબદાર નથી તેમ જણાવી પ્રમુખ રાણવાએ રાજકીય આટી ઘુંટીમાં નગરપાલિકાને રાખવા અને માત્ર વિકાસના કામો માટે હકારાત્મક રીતે લાલચથી પર રહી સૂચનો આપે તેવી પ્રમુખ રાણવાએ વિનંતી કરેલ હતી.
પાલિકા પ્રમુખ રાણવાએ જણાવેલ હતું કે આગામી દોઢ મહિનામાં વિકાસ પુરૂષ પી.પી.સોજીત્રાની સરકારમાં ભલામણ દ્વારા ટૂંક સમયમાં શહેરના તમામ મુખ્ય રસ્તાઓ બનાવવા તૈયારી થઈ રહી છે. જેના માટે ટેન્ડર પ્રક્રિયા પણ શરૂ થઈ ગઈ હોવાનું જણાવેલ હતું.