નવી દિલ્હી, તા.૧૯
મહેન્દ્રસિંહ ધોનીની નિવૃત્તિથી માત્ર ચાહકો જ નહીં પરંતુ ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ પણ આશ્ચર્યચકિત થયા છે. તમને જણાવી દઈએ કે લેગ સ્પીનર યુઝવેન્દ્ર ચહલે પણ ધોનીની અચાનક નિવૃત્તિને ચોંકાવનારૂ ગણાવ્યું હતું. આ ઉપરાંત ચહલે ધોનીની નિવૃત્તિ અંગે મોટો દાવો કર્યો છે. ચહલનો દાવો છે કે, કોરોનાએ ધોનીની કારકિર્દી ખતમ કરી દીધી હતી, નહીં તો તે ટી-૨૦ વર્લ્ડ કપ રમ્યો હોત. યુઝવેન્દ્ર ચહલે કહ્યું હતું કે, ‘ધોનીની નિવૃત્તિ ખૂબ જ ચોંકાવનારા સમાચાર હતા. મને લાગે છે કે, આમાં કોરોના પણ સામેલ છે, નહીં તો ધોનીએ ટી-૨૦ વર્લ્ડ કપ રમ્યો હોત. યુઝવેન્દ્ર ચહલે એમ પણ કહ્યું હતું કે, ધોની પાસે હજી પણ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમવાની તાકાત છે. ચહલે કહ્યું, ‘હું ઈચ્છુ છું કે ધોની હજી રમે. તેમના કારણે મને અને કુલદીપ યાદવને સફળતા મળી છે. વિકેટ પાછળ અમને ધોનીથી મદદ મળતી હતી. જો ધોની હોત, તો મારૂં ૫૦ ટકા કામ થઈ જતું. ધોની જાણતો હતો કે પિચ કઈ રીતે રમી રહી છે. પ્રથમ બોલ પહેલાં ખબર હતી કે પિચ કેવી છે. નહિંતર, જ્યારે ધોની ત્યાં ન હોય ત્યારે અમને પિચ સમજવામાં એક કે બે ઓવર લાગી જતી હતી.
Recent Comments