નવી દિલ્હી, તા.૨૬
મહેન્દ્રસિંહ ધોનીની નિવૃત્તિને લઈને વાતો ચાલી રહી છે ત્યારે કોચ રવિ શાસ્ત્રીએ મોટું નિવદેન આપ્યું છે. શાસ્ત્રીએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું કે, ઇન્ડિયન પ્રીમિયર લીગ-૨૦૨૦ની રાહ જુઓ. કોચ અનુસાર ધોની ક્યારે રમવાનું શરૂ કરે છે અને આઈપીએલમાં તેનું પ્રદર્શન કેવું રહે છે તેના પર ઘણુંબધું નિર્ભર કરે છે. તેમજ બીજા વિકેટકીપર્સ કેવું રમી રહ્યા છે અને ધોનીની સરખામણીએ તેમનું ફોર્મ કેવું છે. શાસ્ત્રીએ વધુ ઉમેરતા કહ્યું કે, “ટી-૨૦ વર્લ્ડ કપ પહેલા આઈપીએલ સૌથી મોટી ટૂર્નામેન્ટ હશે. તે દરમિયાન ૧૫ ખેલાડીઓ નક્કી થશે. તેથી હું કહેવા માગીશ કે શું થશે તેની અટકળો કર્યા કરતા આપણે આઈપીએલ સમાપ્ત થાય તેની રાહ જોવી જોઈએ.”ભારત આ વર્ષે વર્લ્ડ કપની સેમિફાઇનલમાં ન્યૂઝીલેન્ડ સામે હાર્યું હતું. તે પછી ધોનીએ ક્રિકેટમાંથી બ્રેક લઈને આર્મી સાથે ટ્રેનિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ધોની તે પછી ઇન્ટરનેશનલ ક્રિકેટ રમ્યો જ નથી. તેણે અત્યાર સુધીમાં ૯૮ ટી-૨૦માં ૧૬૧૭ રન બનાવ્યા છે. તેમાં બે ફિફટીનો સમાવેશ થાય છે. તે પોતાની છેલ્લી ટી-૨૦ ફેબ્રુઆરીમાં ઓસ્ટ્રેલિયા સામે રમ્યો હતો. તે મેચ ભારત હાર્યું હતું પરંતુ ધોનીએ ૪૦ રનનું યોગદાન આપ્યા હતા.
ટીમ મેનેજમેન્ટ અને સિલેક્ટર્સ ઋષભ પંતને ધોનીના વિકલ્પ તરીકે જોઈ રહ્યા છે. જોકે હજી સુધી પંત પોતાની પ્રતિભા અનુસાર પ્રદર્શન કરવામાં નિષ્ફ્ળ રહ્યો છે. જવાબદારી વગર બેટિંગ કરવાના લીધે તેની ઘણી ટીકા થાય છે. તે તાજેતરમાં સૈયદ મુસ્તાક અલી ટુર્નામેન્ટ દિલ્હી વતી હરિયાણા વિરુદ્ધ રમ્યો હતો. તે મેચમાં તેણે ૩૨ બોલમાં ૨૮ રન કર્યા હતા અને ખોટો શોટ રમીને આઉટ થયો હતો. તે પહેલા બાંગ્લાદેશ સામેની ટી-૨૦માં પણ પંતે નિરાશ કર્યા હતા. ત્રણ મેચમાં માત્ર ૩૩ રન કરી શક્યો હતો, જેમાં ૨૭ તેનો શ્રેષ્ઠ સ્કોર હતો.