મારાડોના, ચેતન ચૌહાણ અને ડીન જોન્સે દુનિયાને અલવિદા કહી દીધું

કોરોનાના કારણે પહેલીવાર ખાલી સ્ટેડિયમમાં રમાઈ IPL મેચો

નવા વર્ષની ઉજવણી કર્યા બાદ ટીમ ઈન્ડિયા નવા જોશ અને ઉમંગ સાથે મેદાનમાં ઊતરવા તૈયાર હતી અને શ્રીલંકા સાથે ટક્કર થઈ પણ ગઈ ત્રણ ટી-ર૦ મેચોની પ્રથમ મેચ વરસાદના કારણે રદ થઈ ગઈ તો બાકીની બંને મેચોમાં ટીમ ઈન્ડિયાએ શાનદાર વિજય મેળવ્યો. શ્રીલંકા વિરૂદ્ધ ર-૦થી જીત મેળવી. ટીમ ઈન્ડિયાએ એ તો દર્શાવી દીધું હતું કે તે આગળની મેચોમાં પણ વધારે જોશ સાથે મેદાનમાં ઊતરશે પણ ટીમ ઈન્ડિયાને એ ખબર ન હતી કે કોરોના નામનો વાયરસ ભારતમાં ઘૂસપેઠ કરવાની ફિરાકમાં હતો. શ્રીલંકા વિરૂદ્ધ જીત બાદ ટીમ ઈન્ડિયાનો આત્મવિશ્વાસ વધી ગયો અને તેણે ન્યુઝીલેન્ડ વિરૂદ્ધ પાંચ ટી-ર૦, ત્રણ વન-ડે અને બે ટેસ્ટ મેચ માટે તૈયારી શરૂ કરી. ર૪ જાન્યુઆરીથી શરૂ થયેલા ટી-ર૦ મુકાબલા બીજી ફેબ્રુઆરી સુધી ચાલ્યા અને ભારતીય જુસ્સા સામે ન્યુઝીલેન્ડ ધરાશાયી થઈ ગયું. જો કે વન-ડે અને ટેસ્ટમાં ન્યુઝીલેન્ડે પોતાનો બદલો લઈ લીધો અને ભારતને જીતની એકપણ તક મળી નહીં.
ન્યુઝીલેન્ડ સામેની સિરીઝ સમાપ્ત થવા સુધીમાં હોળીનો તહેવાર નજીક આવી ગયો હતો અને કોરોના વાયરસ વિશે લોકો જાણવા લાગ્યા હતા પણ આનાથી બચવા માટે દવા કે વેક્સિનની કોઈ જાણકારી હતી નહીં. આ તે જ સમય હતો જ્યારે બીસીસીઆઈએ અચાનક જાહેરાત કરી કે દ.આફ્રિકા વિરૂદ્ધ રમાનારી સિરીઝને હાલ પૂરતી સ્થગિત કરવામાં આવે છે અને બાદમાં માર્ચમાં કેન્દ્ર સરકારે દેશવ્યાપી લોકડાઉનની જાહેરાત કરી દીધી. લોકડાઉનની સાથે જ સમગ્ર સેવાઓ અટકી ગઈ, રમતો બંધ થઈ ગઈ. મેદાનો ઉપર તાળાં વાગી ગયાં અને લોકો ઘરોમાં કેદ થઈ ગયા.
કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે કરાયેલા લોકડાઉનના કારણે એપ્રિલમાં રમાનાર ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ની ૧૩મી સિઝન અમુક સમય માટે સ્થગિત કરી દેવાઈ જેનાથી ક્રિકેટરોમાં નિરાશા વ્યાપી ગઈ. જો કે ૧૯ સપ્ટેમ્બરે આઈપીએલની શરૂઆત થઈ. રોહિત શર્માના નેતૃત્વવાળી મુંબઈ ઈન્ડિયન્સે ફાઈનલમાં દિલ્હી કેપિટલ્સને પાંચ વિકેટે હરાવી પાંચમીવાર આઈપીએલ ટ્રોફી પોતાના નામે કરી. આઈપીએલમાં મુંબઈ ઈન્ડિયન્સ બાદ ચેન્નાઈ સુપરકિંગ્સ ત્રણ વખત અને કોલકાતા નાઈટ રાઈડર્સે બે વખત ચેમ્પિયન બન્યું છે. કોરોના વાયરસની મહામારી દરમ્યાન સૌથી વધારે ચર્ચામાં રહેનાર ખેલાડીઓમાં રોહિત શર્માનું નામ આવે છે. ક્યારેક આઈપીએલમાં દમદાર નેતૃત્વના કારણે તો ક્યારેક ટીમ ઈન્ડિયામાં સ્થાન નહીં મળવાના કારણે રોહિત શર્મા ચર્ચામાં રહ્યો. ટીમ ઈન્ડિયાના પૂર્વ કપ્તાન અને વિકેટકીપર બેટસમેન મહેન્દ્રસિંહ ધોનીએ સંન્યાસની અટકળોને સમાપ્ત કરતા ૧પ્‌ ઓગસ્ટે ક્રિકેટને અલવિદા કહી દીધું. ધોનીએ ‘મે પલ દો પલ કા શાયર હું’ ગીતની સાથે ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કરીને સંન્યાસની જાહેરાત કરી હતી.
ધોનીના ફેવરીટ સુરેશ રૈનાએ પણ ધોનીના સંન્યાસ લેવાના તુરંત બાદ ક્રિકેટને અલવિદા કહી દીધું હતું. આ દરમ્યાન રૈનાએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર એક તસવીર શેર કરી લખ્યું હતું કે ધોની તમારી સાથે રમવું ઘણું પ્રેમાળ રહ્યું. આ ઉપરાંત સુરેશ રૈના તે વખતે પણ ચર્ચામાં આવ્યો જ્યારે તેણે દુબઈમાં રમાયેલી આઈપીએલને છોડીને ભારત પરત ફરવાનો નિર્ણય કર્યો હતો.
વર્ષ ર૦ર૦માં આમ તો અનેક દિગ્ગજોના નિધન થયા છે પણ દુનિયાના મહાન ફૂટબોલ ખેલાડીઓમાં સામેલ ડિએગો મારાડોના, પૂર્વ ઓસ્ટ્રેલિયન ક્રિકેટર ડીન જોન્સ, પૂર્વ ભારતીય ઓપનર ચેતન ચૌહાણ અને ભારતીય ફૂટબોલના પ્રદીપ કુમાર બેનરજીએ દુનિયાને અલવિદા કહી દીધું. મારાડોનાએ ચાર વખત વિશ્વકપમાં આર્જેન્ટીનાનું પ્રતિનિધિત્વ કર્યું હતું. ૧૯૭૮નો વિશ્વકપ જીતનાર આર્જેન્ટીના ૧૯૮રમાં બીજા રાઉન્ડમાં બહાર થઈ ગયું. જો કે ૧૯૮૬માં ટીમે દમદાર પુનરાગમન કર્યું. ર૪ માર્ચ ૧૯૬૧ના રોજ જન્મેલા મારાડોનાની પાસે આર્જેન્ટીનાની કેપ્ટનશીપ હતી અને તેમણે ટીમને ચેમ્પિયન બનાવી. પૂર્વ ભારતીય ઓપનર ચેતન ચૌહાણનું કોરોના વાયરસના કારણે નિધન થઈ ગયું જ્યારે ડીન જોન્સ અને ભારતીય ફૂટબોલ ખેલાડીના પ્રબંધક પ્રદીપકુમારનું હૃદયરોગના હુમલાથી નિધન થઈ ગયું.
ટેનિસની વાત કરીએ તો મોટો અપસેટ ત્યારે જોવા મળ્યો જ્યારે વિશ્વના બે સર્વશ્રેષ્ઠ ખેલાડીઓ સર્બિયાનો નોવાક જોકોવિક અને સ્પેનનો રાફેલ નડાલ ટુર્નામેન્ટની બહાર થઈ ગયા. ડોમિનિક થીમ સામે જોકોવિક અને મેદવેદેવ સામે નડાલને પરાજયનો સામનો કરવો પડ્યો હતો. રમતો અને ખેલાડીઓના પરિદૃશ્યથી જોઈએ તો ર૦ર૦ની શરૂઆતમાં તેમનો અનુભવ ખરાબ હતો. પણ ધીરે ધીરે રમતો તરફ પરત ફરવાની સાથે જ ઘણો સુધારો જોવા મળ્યો. લોકડાઉનની જાહેરાત સાથે જ આઉટડોરમાં પ્રેક્ટિસ કરનારા ખેલાડીઓની પ્રેક્ટિસ અટકી ગઈ. જો કે આ ખેલાડીઓએ પોતાની પ્રેક્ટિસ ચાલુ રાખવા માટે ઘરોની અંદર વ્યવસ્થા કરી હતી. હવે આઉટડોર પ્રેક્ટિસ પણ ધીરે ધીરે શરૂ થઈ ગઈ છે અને ક્રિકેટ સહિત અન્ય રમતો પણ પૂર્વવત થઈ ગઈ છે. જેના કારણે ખેલાડીઓ ખાસ કરીને યુવા ખેલાડીઓના ચહેરા ઉપર હાસ્ય જોવા મળી રહ્યું છે.