મુંબઈ, તા.૪
ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ચીફ સિલેક્ટર દિલીપ વેંગસરકરે મહેન્દ્રસિંહ ધોની અને ટીમ ઇન્ડિયાના વર્તમાન કેપ્ટન વિરાટ કોહલીના સંબધોને લઈને મહત્વનો ખુલાસો કર્યો છે. ક્રિકેટ્રેકરના રિપોર્ટ પ્રમાણે દિલીપ વેંગસરકરે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે એક સમય હતો જ્યારે ધોની ઇચ્છતો ન હતો કે વિરાટ કોહલી ભારત માટે ક્રિકેટ રમે.
૬૩ વર્ષના પૂર્વ ક્રિકેટરે કહ્યું હતું કે, આ ૨૦૦૮ની વાત છે જ્યારે પસંદગીકાર અંડર ૨૩ ટીમના ખેલાડીઓને પસંદ કરવા પર સહમત થયા હતા. ત્યારે ભારતે અંડર-૧૯ વર્લ્ડ કપ જીત્યો હતો. આ પછી પસંદગીકારોએ શાનદાર પ્રદર્શન કરનાર ટીમના કેપ્ટન વિરાટ કોહલીને પસંદગી કરી હતી. ત્યારે ટીમે શ્રીલંકાનો પ્રવાસ કરવાનો હતો. ત્યારે કોચ ગેરી કર્સ્ટન અને અને કેપ્ટન ધોનીએ કહ્યું હતું કે અમે વિરાટને રમતા જોયો નથી. જેથી અમે તેને રમાડી શકીએ નહીં. અમે જૂની ટીમ સાથે ઉતરીશું.
ભારતીય ક્રિકેટ ટીમના દિગ્ગજ બેટ્‌સમેન દિલીપ વેંગસરકરે કહ્યું હતું કે મેં ધોની અને ગેરીને કહ્યું હતું કે તમે તેને રમતા જોયો નથી પણ મેં જોયો છે, આપણે આ છોકરાને લેવો જોઈએ. મને લાગતું હતું કે કોહલીનો શ્રીલંકા સામે જવાનો તે યોગ્ય સમય હતો પણ ધોની અને ગેરીએ મારા નિર્ણય પર સહમતિ વ્યક્તિ કરી ન હતી. તે બંનેએ વિરાટને રમતો જોયો ન હતો.