મુંબઇ,તા.૧૯
ભારતીય ટીમના પૂર્વ ઓપનર વસીમ જાફરે કહ્યું કે, એમએસ ધોની ટીમ ઇન્ડિયા માટે અનમોલ છે. જો તે ફિટ અને ફોર્મમાં હોય તો આગામી ટી-૨૦ વર્લ્ડ કપમાં તેનો કોઈ વિકલ્પ નથી. તે વિકેટ પાછળ અને નીચલા ક્રમે ટીમ માટે મહત્ત્વની ભૂમિકા ભજવી શકે છે. તે ટીમમાં હશે તો લોકેશ રાહુલ પણ વિકેટકીપિંગનું દબાણ નહિ રહે. તેમજ રુષભ પંત બેટ્‌સમેન તરીકે ટીમમાં રમી શકશે.
૩૮ વર્ષીય ધોની છેલ્લે ૨૦૧૯માં ઇન્ટરનેશનલ મેચ રમ્યો હતો. ત્યારે તે વનડે વર્લ્ડ કપની સેમિફાઇનલમાં કિવિઝ સામે રમ્યો હતો. તે પછી ક્રિકેટના મેદાનથી દૂર રહ્યો છે. આ વર્ષે જાન્યુઆરીમાં બીસીસીઆઇએ તેને સેન્ટ્રલ કોન્ટ્રાકટ લિસ્ટમાંથી બહાર કરી દીધો હતો. ત્યારબાદ તે નિવૃત્તિ લેશે તેવી અટકળો શરૂ થઇ ગઈ હતી. જોકે ધોનીએ આ અંગે કોઈ ટિપ્પણી કરી નથી. તે આઇપીએલ દ્વારા ક્રિકેટ મેદાન પર વાપસી કરશે. કોરોનાવાઇરસના કારણે ચેન્નાઇની ટીમનો ટ્રેનિંગ કેમ્પ બંધ થયો તે પહેલા તેણે ટ્રેનિંગ સેશનમાં ભાગ લીધો હતો.