નવી દિલ્હી,તા.૧પ
આ વાતમાં કોઈને કોઈ શંકા નથી કે ટીમ ઈન્ડિયાના પૂર્વ કપ્તાન ધોની ભારતીય ટીમના સૌથી વધારે પ્રેરિત કરનાર કપ્તાન રહ્યો છે. ધોની ભલે હવે કપ્તાન ના હોય પણ યુવાઓને શીખવાડવામાં હજુ પણ એક્ટિવ છે. એક ઈન્ટરવ્યુમાં લેગ સ્પિનર ચહલે ધોનીને સમસ્યાને હલ કરનારો ગણાવ્યો છે. ચહલે કહ્યું કે મારી પાસે એવા ઘણા ઉદાહરણ છે જ્યારે મેચ દરમ્યાન તેમણે અમને બોલિંગ ટિપ્સ આપી અને અમને વિકેટ પ્રાપ્ત થઈ. ધોનીએ મારી અને કુલદીપની અનેક મેચો દરમ્યાન મદદ કરી છે. ક્યારેક બેટ્‌સમેન ચોગ્ગા ફટકારી રહ્યો હોય ત્યારે ધોની મારી પાસે આવી ખભા ઉપર હાથ મૂકી કહેતા આને ગૂગલી ફેંક નહીં રમી શકે. તેમના દ્વારા મળનારી ટિપ્સ ટીમને ઘણી કામ આવે છે. આ લેગ સ્પિનરે કહ્યું કે આવું ઘણીવાર થયું છે. દ.આફ્રિકા વિરૂદ્ધ મેં પહેલીવાર પાંચ વિકેટ ઝડપી. હું ડ્યુમિનીને આઉટ કરવા માંગતો હતો. માહીભાઈએ કહ્યું કે આને સ્ટમ્પ ટુ સ્ટમ્પ બોલિંગ કર. મેં તેમની વાત માની અને ડ્યુમિની સ્વીપ કરવાના પ્રયાસમાં એલબીડબ્લ્યુ આઉટ થઈ ગયો. ચહલે ભારત માટે પર વન-ડે અને ૪ર ટ્‌વેન્ટી-ર૦ મેચ રમી છે.