મુંબઇ,તા.૯
છેલ્લા કેટલાય સમયથી ક્રિકેટથી દુર રહેલા મહેન્દ્ર સિંહ ધોનીને લઇને મીડિયામાં અનેક પ્રકારની અટકળો ચાલી રહી છે. એકબાજુ ધોનીના સન્યાસ તો બીજીબાજુ આઇપીએલ રમવા અંગે લોકો ધોનીનો મત જાણવા માગે છે. ત્યારે માહીના મેનેજરે આ બન્ને બાબતો પર મોટુ નિવેદન આપ્યુ છે. એમએસ ધોનીના બાળપણના મિત્ર અને મેનેજર મિહિર દિવાકરે વાતનો ખુલાસો કરતા કહ્યું કે, ધોની હાલ રિટાયરમેન્ટ વિશે બિલકુલ નથી વિચારી રહ્યો. ઉલ્લેખનીય છે કે ધોનીએ છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ વર્લ્ડકપ ૨૦૧૯માં ન્યૂઝીલેન્ડ સામે સેમિફાઇનલમાં રમી હતી. ત્યારબાદથી તે ક્રિકેટ ગ્રાઉન્ડથી દુર જ રહ્યો છે, અને હવે કોરોના મહામારીના કારણે આઇપીએલ પણ સ્થગિત છે. મેનેજર મિહિરે એ વાતની પણ પુષ્ટિ કરી કે એમએસ ધોનીનું આઇપીએલ રમવા અંગે વધુ મન છે, અને લૉકડાઉન દરમિયાન તે પોતાની ફિટનેસ પર વધારે ધ્યાન આપતો હતો. તે ખુબ મહેનત કરી રહ્યો છે. તેને કહ્યું કે, તે આઇપીએલ રમવા માટે બહુજ દ્રઢ છે. તેને આ માટે પ્રસ્તાવમાં જબરદસ્ત મહેનત કરી છે, તમને ખબર હોય કે બધુ બંધ હોવા છતા તે એક મહિના પહેલા જ તે ચેન્નાઇમાં હતો.