• ર૦ ફેબ્રુઆરી સુધી ફોર્મ ભરી શકાશે • રેગ્યુલર અને રિપિટર વિદ્યાર્થીઓએ ફરજિયાત ઓનલાઈન ફોર્મ ભરવું પડશે

અમદાવાદ, તા.ર૧
રાજ્યમાં કોરોના કાળમાં ઓનલાઈન શિક્ષણ થકી વિદ્યાર્થીઓને ભણાવામાં આવ્યા બાદ ધોરણ ૧૦ અને ૧રમા શાળાઓ શરૂ કરવામાં આવી છે, ત્યારે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાનારી ધોરણ ૧રની વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાના ફોર્મ ભરવાનું આજથી શરૂ થઈ ગયું છે. રેગ્યુલર અને રિપિટર વિદ્યાર્થીઓએ પણ ફરજિયાત ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે. ર૧ જાન્યુઆરીથી ર૦ ફેબ્રુઆરી સુધી આમ એક મહિના સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકાશે. રાજ્યની તમામ વિજ્ઞાન પ્રવાહની ઉચ્ચતર-માધ્યમિક શાળાના સંચાલકો, આચાર્યો, શિક્ષકો, વહીવટી કર્મચારીઓ, વાલીઓ અને વિદ્યાર્થીઓને જીએસઈબી દ્વારા એક અખબારી યાદીમાં જણાવાયું છે કે, ધોરણ ૧ર વિજ્ઞાન પ્રવાહની વર્ષ ર૦ર૧ની બોર્ડની જાહેર પરીક્ષાની રેગ્યુલર અને રિપિટર વિદ્યાર્થીઓના ફોર્મ ઓનલાઈન જીએસઈબીની વેબસાઈટ પર ભરી શકાશે. રેગ્યુલર ફી સાથે ર૧મી જાન્યુઆરીથી આ ફોર્મ ભરાવાના શરૂ થયા છે. આ આવેદનપત્ર ર૦ ફેબ્રુઆરી રાત્રિના ૧ર વાગ્યા સુધી બોર્ડની વેબસાઈટ પર ભરી શકાશે. ધોરણ ૧ર વિજ્ઞાન પ્રવાહના તમામ નિયમિત અને રિપિટર વિદ્યાર્થીઓએ ફરજિયાત ઓનલાઈન ફોર્મ ભરવા પડશે. આ ફોર્મ ભરવા માટેની તમામ જરૂરી વિગતો બોર્ડની વેબસાઈટ ખ્તજીહ્વર્.ખ્તિ પર મૂકવામાં આવી છે. આમ, કોરોના કાળમાં શાળાઓમાં શૈક્ષણિક કાર્ય શરૂ થયા બાદ બોર્ડની ધો.૧ર વિ. પ્રવાહની પરીક્ષાના ફોર્મ ભરવાના શરૂ થયા છે.