(એજન્સી) નવી દિલ્હી, તા. ૩૧
પેપર લીક થયાના રિપોર્ટ બાદ ધોરણ ૧૦ ના ગણિતના વિષયની ફરી પરીક્ષા લેવાના સીબીએસઈના નિર્ણયને રદબાતલ ઠેરવવાની અરજી સાથે ૧૫ વર્ષીય રોહન મેથ્યૂએ સુપ્રીમનો સંપર્ક સાધ્યો. કેરળના એક શાળાના વિદ્યાર્થી મેથ્યૂએ એવી દલીલ કરી કે ગણિતની પરીક્ષા રદ કરવાનો સીબીએસઈનો નિર્ણય ફક્ત બિનસત્તાવાર અહેવાલ આધારિત છે અને લગભગ ૧૬ લાખ વિદ્યાર્થીઓના ભાવી પર જોખમ ખડું થયું. અરજીદારે અરજીમાં કહ્યું છે કે, પરીક્ષા યોજાઈ છે જેના આદારે જ પરિણામ જાહેર કરવામાં આવે અને ગુનેગારોને શોધી કાઢવા માટે સીબીઆઈ તપાસ કરાવવામાં આવે.આ અરજી રીપક કંસલ તરફથી વકીલ આશુતોષ ગર્ગે સુપ્રીમ કોર્ટમાં દાખલ કરી છે જેમાં ભારત સરકારના માનવ સંશાધન વિકાસ મંત્રાલય અને સીબીએસઈ પ્રતિવાદી તરીકે છે. અરજીમાં કહ્યું છે કે, સીબીઆઈ મામલામાં તપાસ કરી રહી અને તપાસ પૂર્ણ થયા વગર જ ધોરણ ૧૦માં ગણિત અને ધોરણ ૧૨માં અર્થશાસ્ત્રની પરીક્ષા ફરી લેવાનો નિર્ણય કરી દેવાયો છે. આ નિર્ણયને અરજીમાં વિદ્યાર્થીઓના મૌલિક અધિકારના ભંગ સમાન ગણાવ્યો છે. અરજીમાં કહ્યું છે કે, તપાસ કર્યા વગર આમા કોણ જવબાદાર છે તે કેવી રીતે જાણી શકાય. તપાસ પૂર્ણ થયા બાદ જ જાણી શકાશે કે બાકીના પેપરોનું શું થયું છે. તપાસથી જ જાણી શકાશે કે બાકી કયા પેપરો લીક થયા છે. તપાસ વગર ફરી પરીક્ષા લેવી તે યોગ્ય નથી. જે પરીક્ષા ફરી લેવાઈ રહી છે તે વિદ્યાર્થીઓના અધિકારના ભંગ સમાન છે કેમ કે પરીક્ષાર્થીઓને પેપરની તૈયારી કરવામાં પુરતો સમય મળી શકશે નહીં. અરજી કહેવાયું છે કે, સીબીએસઈને જાણકારી હતી કે, પેપર લીક થયુ છે તો પણ ધોરણ ૧૨ની અર્થશાસ્ત્રીની ૨૬મી માર્ચે પરીક્ષા લેવામાં આવી હતી. આવી જ રીતે ધોરણ ૧૦ની ગણિતનું પેપર લીક થયું તો પણ તેને પણ રોકવામાં આવ્યું નથી. ત્યારબાદ ક્રાઈમ બ્રાંચમાં આ મામલા અંગે ૨૮મી માર્ચે ફરિયાદ કરવામાં આવી હતી.