અમદાવાદ, તા.૮
રાજ્યભરના ધો.૧૦ના વિદ્યાર્થીઓ જેની આતુરતાથી રાહ જોતાં હતા તે તેમનું ધો.૧૦ની માર્ચમાં લેવાયેલી બોર્ડની પરીક્ષાનું પરિણામ આવતીકાલે મંગળવારે સવારના ૮ કલાકે બોર્ડની વેબસાઈટ પર ઓનલાઈન જાહેર કરવામાં આવશે એમ બોર્ડની એક યાદીમાં જણાવાયું છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક બોર્ડ દ્વારા ચાલુ વર્ષે લેવાયેલી ધો.૧૦ની પરીક્ષાનું પરિણામ આવતીકાલે મંગળવારના રોજ સવારે ૮ કલાકે બોર્ડની વેબસાઈટ www.gseb.org પર ઓનલાઈન જાહેર થશે. ૯મી જૂનના રોજ પરિણામ જાહેર થયા બાદ ગુણપત્રકો વિતરણ સહિતની કામગીરી અંગેની તારીખો આવનાર દિવસોમાં જાહેર કરવામાં આવશે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ મહિનામાં લેવાયેલી ધો.૧૦ની પરીક્ષામાં કુલ ૧૦,૮૩,૦૦૦ વિદ્યાર્થીઓ બેઠા હતા જેમાંથી ૮,૪૦,૦૦૦ વિદ્યાર્થીઓ રેગ્યુલર હતા જ્યારે ર,રપ,૦૦૦ વિદ્યાર્થીઓ રિપીટર હતા. રાજ્યના કુલ ૮૧ ઝોનના ૯૩૪ કેન્દ્રો પર ધો.૧૦ની પરીક્ષા લેવામાં આવી હતી. જેલના ૧રપ જેટલા કેદીઓએ પણ ધો.૧૦ની પરીક્ષા આપી હતી. બધા પેપર ૮૦ માર્ક્સના હતા જેમાં ગણિતનું પેપર અઘરું હોવાની વિદ્યાર્થીઓ અને જાણકારો દ્વારા ફરિયાદ ઉઠવા પામી હતી ત્યારે નવી પેટર્ન સાથે લેવાયેલ આ પરીક્ષાનું પરિણામ કેવું આવશે તે આવતીકાલે સ્પષ્ટ થઈ જશે. આમ ધો.૧૦ અને સંસ્કૃત પ્રથમના માર્ચ ર૦ર૦ના ઉમેદવારોનું પરિણામ ૯ જૂનના રોજ બોર્ડની વેબસાઈટ પર જાહેર કરાશે. જ્યારે ગુણપત્રકોની વિતરણની તારીખ હવે પછી જાહેર કરવામાં આવશે તેમજ ગુણ ચકાસણી અને દફતર ચકાસણી અંગેની સૂચનાઓનો પત્ર અલગથી પ્રકાશિત કરી સંબંધિતોને જાણ કરવામાં આવશે તેમ બોર્ડની એક યાદીમાં જણાવાયું છે. અત્રે નોંધનીય છે કે, ૧૦માં ધોરણની પરીક્ષા પૂર્ણ થયાના બીજા જ દિવસથી કોરોનાને કારણે રાજ્યભરમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું ત્યારે આવતીકાલે ધો.૧૦નું પરિણામ જાહેર થશે.