(સંવાદદાતા દ્વારા) અમરેલી, તા.૧ર
અમરેલી જિલ્લાના મોટી કુંકાવાવ ગામની ડો.આંબેડકર છાત્રાલયના ગૃહપતિએ ૧૬ વર્ષની સગીરાને ધોરણ ૧૨ની પરીક્ષામાં વાંચ્યા વગર પાસ કરાવી દેવાની વાત કહી આંબેડકર છાત્રાલયની અંદર જ દુષ્કર્મ આચરેલ હતું અને તેનો વીડિયો ઉતારેલ હતો. આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કરવાની ધમકી આપી બીજી વખત પણ દુષ્કર્મ આચરતા ચકચાર મચેલ છે.
આ અંગે મળતી વિગતો અનુસાર અમરેલી જિલ્લાના મોટી કુંકાવાવ ગામે રહેતી એક ૧૬ વર્ષીય સગીરાને મોટી કુંકાવાવ ગામની ડો.આંબડેકર છાત્રાલયના ગૃહપતિ રાહુલ ખેતરીયા (રહે. બોટાદ)એ ધોરણ ૧૨ની પરીક્ષામાં વાંચ્યા વગર પાસ કરી દેવાની સગીરાને વાત કહી ભોળવી તેની સાથે આંબેડકર છાત્રાલયના રૂમમાં દુષ્કર્મ આચરેલ હતું અને દુષ્કર્મનો વીડિયો ઉતારેલ હતો.
હવસખોર ગૃહપતિ રાહુલે દુષ્કર્મ આચર્યાના બીજા જ દિવસે ફરી વખત સગીરાને બોલાવી વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કરી દેવાની ધમકી આપી બીજી વખત દુષ્કર્મ આચરેલ હતું. બનાવને લઇ સગીરાએ તેના માતાને હકીકત જણાવતા વડીયા પોલીસમાં ફરિયાદ નોંધાવતા પીએસઆઇ એમ.બી. રાણાએ તપાસ હાથ ધરી છે. જાણવા મળેલ માહિતી મુજબ હવસખોર રાહુલ ખેતરીયાના લગ્ન પંદર દિવસ પહેલા જ થયેલ છે અને ત્યારનો ગૃહપતિ નોકરી છોડી ચાલ્યો ગયેલ હોવાનું જાણવા મળેલ છે.