અમદાવાદ, તા.૯
દેશની સાથે ગુજરાતમાં પણ કોરોના મહામારીનો કેર છે ત્યારે ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા અભ્યાસક્રમમાં ઘટાડો કરાય તેવી માંગ ઊઠી છે. શાળાઓ હાલ બંધ છે અને ઓનલાઈન શિક્ષણ અપાઈ રહ્યું છે ત્યારે વિદ્યાર્થીઓને તકલીફ ન પડે તે માટે અભ્યાસક્રમ ઘટાડવાની માંગ ઉઠવા પામી છે.
કોરોનાની મહામારી વચ્ચે બાળકોના અભ્યાસક્રમને લઈને સીબીએસઈ દ્વારા એક વર્ષ માટે ધોરણ ૯થી ૧રના વિદ્યાર્થીઓના અભ્યાસક્રમમાં ૩૦ %નો ઘટાડો કરવામાં આવ્યો છે. ત્યારે હવે ગુજરાતના શિક્ષણ વિભાગ દ્વારા પણ ધોરણ ૯થી ૧રના વિદ્યાર્થીઓના અભ્યાસક્રમમાં ઘટાડો કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. બાળકોના ભવિષ્ય અને હિતને ધ્યાનમાં લઈને ધોરણમાં મુદ્દા અને ચેપ્ટરમાં ઘટાડો કરવામાં આવશે પરંતુ કેટલો ઘટાડો થશે તે બાબતે શિક્ષણ વિભાગ દ્વારા આગામી સમયમાં નિર્ણય કરવામાં આવશે.
રિપોર્ટ અનુસાર કોરોનાની મહામારીના કારણે શાળા-કોલેજો બંધ છે. તેવા સમયે રાજ્યની શાળાઓ દ્વારા બાળકોને ઓનલાઈન અભ્યાસ કરાવવામાં આવે છે. ઓનલાઈન શિક્ષણને લઈને ઘણા વાલીઓ બાળકોના પરિણામને લઈને ચિંતિત છે. ઘણા વાલીઓની ફરિયાદ હોય છે કે ઓનલાઈન શિક્ષણમાં બાળકોને ખૂબ તકલીફ પડી રહી છે. કયાંક નેટવર્કનો પ્રોબ્લેમ છે તો ક્યાંક વાલીઓ પોતાના બાળકોને સ્માર્ટફોન કે લેપટોપ અપાવી શકતા નથી. ત્યારે વિદ્યાર્થીઓની મુશ્કેલીને ધ્યાનમાં લઈને શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા એક મહત્તવનો નિર્ણય કરવામાં આવ્યો છે. શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા બાળકોના હિત અને ભવિષ્યને ધ્યાનમાં લઈને ધોરણ ૯થી ૧રના વિદ્યાર્થીનો અભ્યાસક્રમ ઘટાડવા બાબતે એક્સપર્ટની સાથે ઓનલાઈન બેઠક કરવામાં આવી હતી. આ બેઠકમાં એકસપર્ટના સૂચનોને ધ્યાનમાં લઈને આગામી સમયમાં શિક્ષણ વિભાગ દ્વારા બાળકોનો અભ્યાસક્રમ ઘટાડવામાં આવશે. જો કે કેટલો અભ્યાસક્રમ ઘટશે તેની માહિતી આગામી દિવસોમાં શિક્ષણ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવશે. આ નિર્ણયનો ફાયદો રાજ્યના ૩૬ લાખ વિદ્યાર્થીઓને મળશે. શિક્ષણમંત્રીના આ નિર્ણયનો સૌથી વધારે ફાયદો ધોરણ ૧૦ અને ૧રના વિદ્યાર્થીઓને થશે. કારણ કે આ બંને ધોરણ માટે બોર્ડનું વર્ષ ખૂબ મહત્ત્વનું હોય છે અને હાલ કોરોનાની મહામારીના કારણે શાળાઓ બંધ હોવાના કારણે વિદ્યાર્થીઓને અભ્યાસ કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ખાસ કરીને ૧ર સાયન્સના વિદ્યાર્થીઓની સાથે સાથે તેમના વાલીઓને પણ પરિણામની ચિંતા સતાવી રહી હતી. પણ હવે અભ્યાસક્રમ ઘટાડવાના નિર્ણયના કારણે ધોરણ ૧૦ અને ૧ર બોર્ડના વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓને રાહત મળી છે.
અભ્યાસક્રમ ઓછો કરવા બાબતે શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે આગળના ધોરણની સાથે જોડાયેલા એક પણ મુદ્દા પર કાપ મૂકી શકાશે નહીં. ધોરણ ૯ના અભ્યાસક્રમમાં એવા મુદ્દા અને ચેપ્ટર પર કામ મૂકાશે જેનો ઉપયોગ ધોરણ ૧૦માં થતો નથી. વિદ્યાર્થીની દરેક બાબત પર પૂરતી તકેદારી રાખવામાં આવશે. આમ સરકારનો આ નિર્ણયથી વિદ્યાર્થીઓ અને વાલીઓને ઘણી રાહત મળશે.