• પ્રથમ કસોટી અને પ્રથમ સત્ર પૂર્ણ થયું હોવાથી હવે પ્રવેશને બોર્ડ મંજૂરી નહીં આપે
• પ્રવેશ માટે પૂરતી તક આપ્યા બાદ પણ પ્રવેશ લીધો નહીં હોય તો હવે તક નહીં મળે
(સંવાદદાતા દ્વારા) અમદાવાદ, તા.૩
રાજ્યમાં કોરોનાના કારણે ધોરણ-૯થી ૧૨માં પ્રવેશ વંચિત વિદ્યાર્થીઓને પ્રવેશ માટેની અનેક તક અપાઈ હતી. શિક્ષણ બોર્ડ દ્વારા છેલ્લે ૩૧ ઓક્ટોબર સુધીમાં શાળાઓને પ્રવેશ માટેની મંજૂરી આપી હતી. જોકે, હવે ધોરણ-૯થી ૧૨ના વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાનો બોર્ડ દ્વારા ઈન્કાર કરી દેવાયો છે. હવે ધોરણ-૯થી ૧૨ની સ્કૂલોમાં પ્રથમ કસોટી પૂર્ણ થઈ ગઈ છે અને પ્રથમ સત્ર પણ પૂર્ણ થયું હોઈ વિદ્યાર્થીને પ્રવેશ ફાળવાય તો અભ્યાસ અધુરો રહે તેમ હોઈ શિક્ષણ બોર્ડે હવે વિદ્યાર્થીઓના પ્રવેશને મંજૂરી આપવાનો ઈન્કાર કરી દીધો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, રાજ્યમાં કોવિડ-૧૯ની પ્રવર્તમાન પરિસ્થિતીને કારણે શૈક્ષણિક વર્ષ ૨૦૨૧-૨૨માં ધોરણ-૯થી ૧૨માં પ્રવેશથી વંચિત રહેલા વિદ્યાર્થીઓને ૨૦ સપ્ટેમ્બર, ૨૦૨૧ સુધી જિલ્લા શિક્ષણાધિકારીની મંજુરીથી શાળામાં પ્રવેશ આપવા અંગેની કાર્યવાહી કરવા માટે જણાવવામાં આવ્યું હતું. શાળા પ્રવેશ માટેની આ સમય મર્યાદા પૂર્ણ થયા બાદ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીઓ દ્વારા શાળાના આચાર્યો તેમજ વાલીઓ દ્વારા ધોરણ-૯થી ૧૨માં પ્રવેશથી વંચિત રહેલા વિદ્યાર્થીઓના શાળા પ્રવેશ માટે શિક્ષણ બોર્ડની કચેરીને રજૂઆત મળી હતી.
જેથી શિક્ષણ બોર્ડ દ્વારા કોવિડ-૧૯ની પ્રવર્તમાન પરિસ્થિતિમાં વિદ્યાર્થીઓના શૈક્ષણિક હિતને ધ્યાને લઈને રજૂઆતોના પગલે ૩૧ ઓક્ટોબર સુધી વિદ્યાર્થીઓને શાળા પ્રવેશ માટે મંજૂરી આપી હતી. ધોરણ-૯થી ૧૨ની પ્રથમ કસોટી ૧૮ ઓક્ટોબરથી ૨૮ ઓક્ટોબર દરમિયાન યોજાઈ હતી. શાળાઓમાં પ્રથમ સત્ર પણ હવે પૂર્ણ થઈ ચુક્યું છે અને શાળાઓમાં ૧ નવેમ્બરથી ૨૧ નવેમ્બરનું ૨૧ દિવસનું દિવાળી વેકેશન પણ શરૂ થઈ ચૂક્યું છે.
આમ, હાલમાં પ્રથમ સત્ર અને શાળાકીય પ્રથમ પરીક્ષા પૂર્ણ થઈ ગઈ હોવાથી વિદ્યાર્થીઓના શૈક્ષણિક હિતને ધ્યાનમાં લઈને ધોરણ-૯થી ૧૨ માટે શાળાકીય પ્રવેશ માટે હવે પછી મંજૂરી આપવામાં આવે તો વિદ્યાર્થીઓનો અભ્યાસ અધુરો રહે તેમ છે. આ બાબત વિદ્યાર્થીઓના શૈક્ષણિક હિતની દૃષ્ટીએ યોગ્ય ગણાય તેમ ન હોવાનું બોર્ડનું માનવું છે. જેથી હવે પછી ધોરણ-૯થી ૧૨માં પ્રવેશ અંગેની કોઈ પણ રજૂઆત શિક્ષણ બોર્ડની કચેરીને મોકલવાની રહેશે નહીં તેવી સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે. શિક્ષણ બોર્ડ દ્વારા પણ હવે પછી કોઈ પણ વિદ્યાર્થીને ધોરણ-૯થી ૧૨માં પ્રવેશ માટે મંજૂરી આપવામાં આવશે નહીં. આ અંગે શિક્ષણ બોર્ડ દ્વારા તમામ જિલ્લા શિક્ષણાધિકારીઓને પરિપત્ર કરી સૂચના આપી છે અને તેમના તાબાની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓને સૂચના આપવા તાકીદ કરી છે.
Recent Comments