અમદાવાદ, તા.૮
કોરોનાએ દેશ અને દુનિયામાં હાહાકાર મચાવ્યો છે ત્યારે દરેક વ્યક્તિ પરેશાન થઈ ઊઠ્યો છે. વળી લોકડાઉનને કારણે પાન-મસાલા બીડી-તમાકુની દુકાનો-ગલ્લા બંધ રહેતાં વ્યસનીઓ પરેશાન થઈ ઊઠ્યા છે. બીજી તરફ મસાલા તમાકુ અને બીડીનો ભાવ બ્લેક માર્કેટમાં આસમાને પહોંચ્યો છે ત્યારે વ્યસનીઓ વ્યસન માટે કઈ હદે જઈ શકે તેનું એક વરવું ઉદાહરણ સામે આવ્યું છે. ધોરાજીમાં એક વેપારીએ પોતાના કામ અર્થે દુકાન ખોલતાં વ્યસનીઓ અંદર ઘૂસી ગયા હતા અને સોપારી અને તમાકુની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા. આ અંગેનો વીડિયો પણ વાયરલ થયો છે ત્યારે પોલીસે વેપારીની ફરિયાદના આધારે વ્યસનીઓની શોધખોળ આદરી છે.
મળતી વિગતો મુજબ ધોરાજીમાં સ્ટેશન પ્લોટ રોડ પર આરચી સેલ્સ નામની તમાકુ, બીડી, સોપારી સહિતની વસ્તુઓની હોલસેલની એજન્સી આવેલી છે. ‘લોકડાઉન’ થતાં આ એજન્સી બંધ હતી જ્યારે વેપારીએ પોતાના કામ અર્થે દુકાન ખોલી ત્યારે રોડ પર કેટલાક વ્યસનીઓ એકઠા થઈ ગયા હતા. તક જોઈ તેઓ દુકાનમાં ઘૂસી ગયા હતા અને રીતસરની તમાકુ, સોપારીની લૂંટ ચલાવતા હોય તેમ વ્યસનીઓ સોપારી, તમાકુ ઉપાડી ગયા હતા. કોથળામાં સોપારી ભરીને દુકાનમાંથી બહાર નીકળતા વ્યસનીઓ વીડિયોમાં કેદ થયા હતા. વળી આ વીડિયો સોશિયલ મીડિયામાં પણ વાયરલ થયો છે. આ અંગે વેપારીએ સોપારી અને તમાકુની લૂંટ ચલાવનારા વ્યસનીઓ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે. વેપારીની ફરિયાદને આધારે પોલીસે વ્યસનીઓની શોધખોળ શરૂ કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ વ્યસનીઓ દ્વારા તમાકુ અને બીડી મેળવવા મારપીટ કર્યાની વિગતો સામે આવી છે.