કારમી મોંઘવારીમાં મુસ્લિમ સમાજની દીકરીઓને પરણાવવા માટે સખીદાતાઓ ઇમદાદ, હોંસલાઅફઝાઈ અને ગરીબો પ્રત્યેની હમદર્દી આ ભગીરથ કાર્યને પાર પાડવા “ અંજુમન”ને હિંમત પૂરી પાડે છે

ધોળકા,૧૮
આ કારમી મોંઘવારી માંય સમાજનો અમીર તબકો તેમના ત્યાં આવતા શાદી- બ્યાહનાં શુભ પ્રસંગો નિહાયત આસાની સાથે રંગેચંગે પાર પાડવા શક્તિમાન છે.જ્યારે ગરીબીની રેખા નીચે જીવન પસાર કરતો દારુણ સ્થિતિમાં બે ટંકનાં ભોજન માટે ય વલખા મારતો ઝકાતનો હકદાર તબકો પોતાના લાડલાઓના હાથ પીળા કરવા જ્યાં વધારેમાં વધારે દહેજ આપવામાં આવતું હોય ( ભલેને પછી તે ઝકાત ફંડમાંથી હોય ) તેવા દ્ગર્ય્ં નાં સમૂહ લગ્નમાં જોડાય છે અથવા પાંચ- પચીસ સાહેબ- એ – માલ પાસે હાથ ફેલાવી પ્રસંગને ઉકેલે છે.ખરી તકલીફ તો સમાજના એ ઉચ્ચ મધ્યમ વર્ગને છે કે જે ના તો ઝકાતનો હકદાર છે કે ના પોતાની તકલીફ દૂર કરવા હાથ ફેલાવી શકે છે. આ ન કહેવાય ન સહેવાયની અસમંજસ સ્થિતિનાં પરિણામે તેઓની શાદીલાયક બહેન – દીકરીઓની ઉંમર વધતી જાય છે અને મૂરતીયા હાથથી નીકળતા જાય છે. સમાજનો આવોજ એક હિસ્સો બહેન-દીકરીઓની વિદાય માટે પોતાની રોજી-રોટીનો જરીયો યાને જમીનનો ટુકડો કે પછી રહેવાનું ઘર ગીરો મુકવા મજબૂર બને છે.યા એમ કહો કે એક શાદી માટે ગુરબતભરી દારુણ પરિસ્થિતિમાં ધકેલાય છે અને આમ પહેલાથી ગરીબીમાં સબડતી પ્રજામાં દિન-બ-દિન ઇજાફો થતો જાય છે.આ વિકટ સમસ્યાના હલ માટે સમાજનાં બુદ્ધિજીવી વર્ગ અને આલિમે દિનનાં હલ્કામાં ચર્ચા-વિચારણાનાં અંતે નક્કી થયું કે ધોલકા અંજુમને નવજવાન ટ્રસ્ટે અન્ય તંઝીમોથી હટીને એક નવો ચિલો ચાતરવો યાને “ ઇમદાદીયા ઇજતેમાઇ શાદી “ નું આયોજન કરવું. જેથી સમાજનો દરેક વર્ગ તેનો વિના સંકોચ લાભ લઇ શકે. આમ છેલ્લા આઠ વર્ષથી દર વર્ષે ડિસેમ્બર – જાન્યુઆરીમાં સમૂહલગ્નનું “ અંજુમન” તરફથી આયોજન કરવામાં આવે છે.અત્યાર સુધી દર વર્ષે ૪૦ જેટલા યુગલો લાભ લેતા હતા. હવે તા.૨૬-૦૧-૨૦૨૧ નાં રોજ સમસ્ત મુસ્લિમ સમાજનાં ૯ માં સમૂહલગ્નનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં ૫૫ યુગલો નોંધાઇ ચુક્યા છે. હાલની પરિસ્થિતિની અસરરૂપે ઇમદાદની આવક ઉપર અંકુશ આવી ગયેલ છે. છતાં અલ્લાહ ઉપર તવકકલ મજબૂત છે અને નિર્ધાર મકકમ છે. ઈંશા અલ્લાહ આપ સહુ સખીદાતાઓની ઇમદાદ, હોંસલા અફઝાઈ અને ગરીબો પ્રત્યેની હમદર્દી આ ભગીરથ કાર્યને પાર પાડવા અમોને હિંમત , બળ અને આપને અજ્રે અઝીમનાં હકદાર બનાવશે…આમીન
સંકલન : ઘાંચી ઇસ્માઇલભાઈ ડોસી (ધોળકા)