(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર, તા.૩૦
ગુજરાત સરકાર અને ચાઈનાના ઉદ્યોગોના એસોસિએશન વચ્ચે રાજ્યમાં મૂડી રોકાણો માટે મહત્ત્વપૂર્ણ બે એમઓયુ આજે કરવામાં આવ્યા હતા. ચાઈના એસોસિએશન ઓફ સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઈઝીઝ (સીએએસએમઈ) ધોલેરા સરમાં રૂા.૧૦,પ૦૦ કરોડના રોકાણ સાથે ચાઈના ઈન્ડસ્ટ્રીયલ પાર્ક ડેવલપ કરશે. મુખ્યમંત્રી રૂપાણીની ઉપસ્થિતિમાં ધોલેરા સ્પેશિયલ ઈન્વેસ્ટમેન્ટ રિજીયનની એસપીવી ધોલેરા ઈન્ડસ્ટ્રીયલ સિટી ડેવલપમેન્ટ લિ. અને સીએએસએમઈ વચ્ચે આ અંગેના એમઓયુ થયા હતા. ધોલેરામાં નિર્માણ પામનાર ચાઈના ઈન્ડસ્ટ્રીયલ પાર્કમાં પ્રત્યક્ષ અને અપ્રત્યક્ષ મળીને કુલ ૧૫ હજાર જેટલા યુવાઓને સ્થાનિક સ્તરે રોજગારની તકો ઊભી થશે. આ પાર્કમાં ચાઈનાના ઉદ્યોગકારો પ્રદૂષણ સહિત હાઈ ટેકનોલોજીયુક્ત ઉદ્યોગો શરૂ કરશે. આ એમઓયુ ઉપર મુખ્યમંત્રીના અગ્રસચિવ અને ઊદ્યોગ અગ્રસચિવ શ્રી એમ. કે. દાસ તેમજ સીએએસએમઈ ઇન્વેસ્ટમેન્ટ મેનેજમેન્ટ ગૃપના વાઇસ પ્રેસિડેન્ટ વૈન્ડોંગ યીને હસ્તાક્ષર કર્યા હતા. અત્રે એ નિર્દેશ કરવો જરૂરી છે કે ચાયનાના રાષ્ટ્રપતિ ઝિન પીંગની ર૦૧૪માં ગુજરાત મૂલાકાત અને ર૦૧પમાં ગુજરાતના એક હાઇલેવલ ડેલિગેશનની ચાયના મૂલાકાતની ફલશ્રુતિ રૂપે ચાયનાના ઊદ્યોગકારો ગુજરાતમાં મોટાપાયે રોકાણો માટે પ્રેરિત થયેલા છે. મુખ્યમંત્રીએ મોટા પાયે આવી રહેલ એફડીઆઈ સંદર્ભમાં જણાવ્યું કે, આગામી ર૦રર સુધીમાં ચાયનીઝ ઊદ્યોગકારો પોતાના પ્લાન્ટ-એકમોની જરૂરી પ્રોસેસ પૂર્ણ કરી રાજ્યમાં ઉત્પાદન શરૂ કરી પ્રોત્સાહનોનો લાભ મેળવે તે સમયની માંગ છે. એટલું જ નહિ, તાજેતરમાં ભારત સરકારે ઊદ્યોગોને જે કર રાહતો આપી છે તથા ગુજરાત સરકારે પણ એમએસએમઈ સેકટરમાં સોલાર એનર્જીને પ્રોત્સાહન સહિતની જે સવલતો જાહેર કરી છે તેનો લાભ પણ ચાયનાના આ ઊદ્યોગોને મળશે.