(સંવાદદાતા દ્વારા) ધોળકા, તા.ર૪
“પદ્માવત ફિલ્મ”નો વિરોધ ધોળકા તાલુકામાં હિંસક વળાંક લઈ રહ્યો છે. આજે બપોરે આશરે ત્રણેક વાગ્યાના સુમારે ધોળકા-સરખેજ હાઈવે પર બદરખા અને ચલોડા ગામ વચ્ચે અજાણ્યા ઈસમોએ એક એસટી બસમાંથી પેસેન્જરોને નીચે ઉતારી બસને સળગાવી મૂકવાનો પ્રયત્ન કરતાં એસટી તંત્ર દ્વારા ધોળકા-અમદાવાદ વચ્ચે દોડતી તમામ બસો બંધ કરી દીધી હતી.
સંજયલીલા ભણશાલીની ફિલ્મ “પદ્માવત”નો ઠેર-ઠેર વિરોધ થઈ રહ્યો છે. દેશભરમાં આ ફિલ્મ તા.રપ જાન્યુઆરીએ રિલીઝ થવાની છે ત્યારે ધોળકા ખાતે મલ્ટીપ્લેક્ષ સિનેમાના માલિક દ્વારા “પદ્માવત” ફિલ્મ રિલીઝ નહીં કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હોવાનું ચર્ચાય છે. આમ છતાં “પદ્માવત”ના વિરોધમાં ધોળકા પંથકમાં એસટી બસોને નિશાન બનાવવાનું ચાલુ રહ્યું છે. આજે બપોરે આશરે ત્રણેક વાગે સરખેજ-ધોળકા હાઈવે પર બદરખા અને ચલોડા ગામ વચ્ચે અજાણ્યા યુવકોએ એક એસટી બસને રોકીને મુસાફરોને નીચે ઉતારી મૂકી બસને સળગાવવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ ડ્રાઈવરની સમયસૂકતાથી બસ સળગતા બચી જવા પામી હતી. આ બનાવની જાણ ધોળકા પોલીસને થતાં તાત્કાલિક પોલીસ ટીમ ઘટનાસ્થળે ધસી ગઈ હતી પરંતુ ત્યાં સુધી યુવકો ફરાર થઈ ગયા હતા. આ બનાવને ગંભીરતાથી લઈને ધોળકા એસટી ડેપો દ્વારા ધોળકા-અમદાવાદ વચ્ચે દોડતી એસટી બસો બંધ કરી દેતા અનેક મુસાફરો રઝળી પડ્યા હતા. ખાનગી વાહન ચાલકોને ઘી કેળા થઈ ગયા હતા. દરમિયાન તા.રપ/૧/ર૦૧૮ ગુરૂવારે કરણી સેના તથા મહાકાલ સેના દ્વારા અપાયેલા ભારત બંધના એલાન સંદર્ભે ધોળકા શહેર સજ્જડ બંધ રહે તે માટે રાજપૂત સમાજના યુવકોએ બજારોમાં ફરી દુકાનદારોને આ બંધના એલાનને સફળ બનાવવા અનુરોધ કર્યો હતો. બંધના એલાન દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તે માટે અમદાવાદ જિલ્લાના અધિક પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ ધોળકા પોલીસ તથા એસઆરપીના જવાનો રાઉન્ડ ધી કલોક પેટ્રોલિંગ કરી રહ્યા છે. ગુરૂવારે સવારથી જ જડબેસલાક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવશે.