ધોળકા, તા.૧૬
ધોળકામાં એક મોબાઈલ વ્હોટ્‌સએપ ગ્રુપમાં કઠુઆ ગેંગરેપની આઠ વર્ષની માસૂમ પીડિતા આસિફા વિશે અભદ્ર અને અશ્લિલ ટિપ્પણી કર્યાના પ્રકરણમાં ધોળકા પોલીસે આજે આરોપી વિશાલ યોગેશભાઈ ઉર્ફે નાથાભાઈ સોનીને ધોળકા કોર્ટમાં રજૂ કર્યો હતો. ધોળકા પોલીસે આ બનાવની ગંભીરતાને જોતા ધોળકા કોર્ટ પરિસરની આસપાસ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો હતો. અમદાવાદ જિલ્લા અધિક પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજા, ટાઉન પીઆઈ એલ.બી. તડવી, સ્થાનિક પોલીસ ઉપરાંત એલસીબી અને એસઓજી સ્ટાફ ખડેપગે હાજર રહ્યા હતા. બીજી બાજુ આરોપી વિશાલને કોર્ટમાં લાવવાનો હોવાની વાત જાણીને ટોળા કોર્ટ પાસે એકઠા થયા હતા. ધોળકા ટાઉન પીઆઈ એલ.બી. તડવીએ આરોપી વિશાલ સોનીને ધોળકાના જ્યુ.ફ.ક. મેજિસ્ટ્રેટ ડી.વી.પટેલની કોર્ટમાં રજૂ કરી આરોપીના પાંચ દિવસના રિમાન્ડની માગણી કરી હતી. પરંતુ કોર્ટે રિમાન્ડ નામંજૂર કરી રૂા.૨૫-૨૫ હજારના બે જામીન લઈ ચાર્જશીટ દાખલ ના થાય ત્યાં સુધી ધોળકા શહેરની બહાર રહેવા તથા ગુજરાતની હદ નહીં છોડવાની શરતોને આધિન આરોપી વિશાલ સોનીને જામીન પર મુક્ત કરવા હુકમ કર્યો હતો.