ધોળકા, તા.ર૯
ધોળકા નગરપાલિકા વોર્ડ નં.૮ના ભાજપના મ્યુ. કાઉન્સિલર કનુભાઈ મફતભાઈ પરમારના સાળા મનુભાઈ વાલજીભાઈ પરમાર વિરૂદ્ધ ચાર વર્ષ ૧૧ માસની બાળકી સથે શારીરિક અડપલા કરાયાની તથા મ્યુ.કાઉન્સિલર કનુભાઈ મફતભાાઈ પરમાર તથા તેમની પત્ની માણેકબેન કનુભાઈ પરમાર વિરૂદ્ધ પીડિત બાળકીના માતા-પિતાને ધમકી આપ્યાની પોલીસ ફરિયાદ ધોળકા પોલીસ સ્ટેશનમાં નોંધાતા ચકચાર મચી જવા પામી છે.
ધોળકા પોલીસ મથકમાં મહેન્દ્રકુમાર રણછોડભાઈ પરમાર (હાલ રહે. તીર્થનગર સોસાયટી ધોળકા મૂળ રહે. તામસા તા.ખંભાત)એ આરોપી (૧) મનુભાઈ વાલજીભાઈ પરમાર (ર) કનુભાઈ મફતભાાઈ પરમાર (૩) માણેકબેન કનુભાઈ પરમાર વિરૂદ્ધ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, હું મારા પરિવાર સાથે કનુભાઈ પરમાર વૃદાંવન સોસાયટીમાં આવેલ મકાનમાં ગ્રાઉન્ડ ફલોર પર રહેતો હતો. મારા ઉપરના મકાનભાઈ કનુભાઈનો સાળો મનુભાઈ પરમાર રહેતો હતો. ગત તા.૧૬/૩/ર૦૧૮ના રોજ બપોરના સમયે મારી ૪ વર્ષ ૧૧ માસની દીકરીને રમાડવાના બહાને મનુભાઈ ધાબા ઉપર લઈ ગયેલો તેણે બાળકી સાથે શારીરિક અડપલા કર્યા હતા. આ વાતની જાણ કોઈને કરીશ તો જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. કનુભાઈ પરમાર તથા તેમના પત્ની માણેકબેને પણ ધમકી આપ્યાનું પોલીસ ફરિયાદમાં દર્શાવાયું છે. આ બનાવ સંદર્ભે ધોળકા ટાઉન પોલીસે પોસ્કો સહિતની કલમો અંતર્ગત ગુનો નોંધી મુખ્ય આરોપી મનુભાઈ વાલજીભાઈ પરમારની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.