વડાપ્રધાન મોદીની ગુજરાત યાત્રા સમયે જ સામૂહિક બળાત્કારની અત્યંત ઘૃણાસ્પદ ઘટના બનતાં મામલાને દબાવવા અને
પોલીસ દ્વારા ઢીલી તપાસ કરાઈ રહી હોવાના આરોપો

આરોપીઓને કડકમાં કડક સજા કરવાની માગ : તમામ સમુદાયના લોકોએ એકસૂરે હેવાનિયત ભરેલી ઘટનાને વખોડી કાઢી  આઠ આરોપીઓની ધરપકડ  
નરાધમોમાં રાજકીય અગ્રણીનો પુત્ર પણ સામેલ હોવાની અટકળો

(સંવાદદાતા દ્વારા)
ધોળકા /  અમદાવાદ, તા.૧૨
ધોળકામાં ૧૫ વર્ષની મુસ્લિમ સગીરા પર આઠ જેટલા વિધર્મી યુવકો દ્વારા સામૂહિક બળાત્કાર ગુજારવાની ચકચારી ઘટનામાં ભીનું સંકેલવાના પ્રયાસોથી રોષ ફેલાયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ ગુજરાતના પ્રવાસે છે ત્યારે જ આ અત્યંત ઘૃણાસ્પદ ઘટના બની છે. જેથી પોલીસ પણ આ મામલે ઢીલી કાર્યવાહી કરી રહી હોવાની ફરિયાદો ઉઠી હતી. એટલું જ નહીં આ કેસમાં પીડિત સગીર વયની હોવાથી પોસ્કો કાયદા મુજબની જોગવાઈઓનું પાલન કરવામાં નહીં આવી રહ્યાનું પણ ચર્ચાઈ રહ્યું છે. જો કે ધોળકા ટાઉનના પોલીસ ઈન્સ્પેકટર એન.ડી. ચૌધરીએ ગુજરાત ટુડે સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, આ કેસના આઠ આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે અને તેમની સામે કાયદાકીય કાર્વયવાહી કરવામાં આવી રહી છે. આરોપીઓમાં એક રાજ્કીય અગ્રણીનો પુત્ર પણ સામેલ હોવાની અટકળો છે. ખૂૂબ જ ક્રૂર પ્રકારના આ ગુનામાં  પોલીસ દ્વારા આઠ આરોપીઓ સામે  કેસ નોંધાયો છે. જો કે લોકમુખે ચર્ચાઈ રહ્યું છે કે, આ ગેંગરેપની ઘટનામાં આઠથી વધુ ગુનેગારો સામેલ છે. ઘટના શુક્રવારે દિવસ દરમ્યાન બની હતી. ત્યારે પોલીસ દ્વારા રાત્રે નવ વાગ્યા સુધી પણ ફરિયાદ દાખલ કરવામાં નહીં હોવાના ગંભીર આક્ષેપો પણ થઈ રહ્યાં છે. આ બર્બરતાપૂર્ણ બનાવને પગલે ધોળકા ટાઉનમાં અંજપાભરી સ્થિતિ સર્જાઈ હતી. પીડિતાને સારવાર અને મેડિકલ પરીક્ષણ અંગે અમદાવાદની સોલા હોસ્પિટલ ખાતે લાવવામાં આવી હતી. ત્યારબાદ પોલીસ દ્વારા તેને પરત ધોળકા લઈ જવામાં આવી હતી.  આ બર્બરતાપૂર્ણ ગેંગરેપમાં સામેલ આરોપીઓને કડકમાં કડક સજા કરવાની માગ ઉઠી છે. તમામ સમુદાયના લોકોએ ગેંગરેપની આ ઘટનાને એક અવાજમાં વખોડી કાઢી હતી.
ધોળકાની એક ૧૫ વર્ષની મુસ્લિમ સગીરાને ધોળકા નજીક આવેલ ખાનપુર પાસેનાં એક ખેતરમાં રાત્રે ઉઠાવી જઈને આઠ યુવકોએ “ગેંગ રેપ” કરતા ખળભળાટ મચી ગયો છે. નરાધમ યુવકો સામે લોકો ફિટકાર વરસાવી રહ્યા. તેમને કડકમાં કડક સજા મળે તેવી લોકમાંગ ઉઠવા પામી છે. ધોળકા ટાઉન પોલીસે હાલ આઠ  યુવકો વિરૂદ્ધ પૉસ્કો અને દુષ્કર્મ ની ફરિયાદ નોંધી છે. પરંતુ ગામમાં લોકમુખે ચર્ચાઈ રહ્યું છે કે, આ બનાવમાં આઠથી વધારે નરાધમો સંડોવાયેલા છે. ગત સાંજે ધોળકા ટાઉન પોલીસ મથકે મુસ્લિમોનાં લોકટોળા ઉમટ્યા હતા. જ્યારે રાત્રે મેનાબેન ટાવર ખાતે સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં પીડિતાને મેડિકલ ચેકઅપ માટે લઈ જવામાં આવી હતી ત્યારે આ સરકારી દવાખાનાની નજીક મોટી સંખ્યામાં લોકો ઉમટી પડતાં વાતાવરણ તંગ થઈ ગયું હતું. શનિવારે સવારે અમદાવાદથી એફએસએલની ટીમ ધોળકા આવી પહોંચી હતી. પોલીસને સાથે રાખીને એફએસએલની ટીમે ઘટના સ્થળે પહોંચી જરૂરી કાર્યવાહી કરી હતી. પીડિતાને વધુ મેડિકલ તપાસ અર્થે આજે અમદાવાદ ખાતેની સોલા સિવિલ હોસ્પિટલમાં પોલીસ દ્વારા લઇ જવામાં આવેલ હતી. અમદાવાદ જિલ્લા કોંગ્રેસ સમિતિનાં ઉપપ્રમુખ મુનાફભાઈ રાધનપુરીએ આ ગેંગ રેપના બનાવને સખત શબ્દોમાં વખોડી કાઢીને જેટલા પણ નરાધમો આ કૃત્યમાં સામેલ હોય તેમની સામે કડકમાં કડક પોલીસ કાર્યવાહીની માંગણી કરી પીડિતાને ઝડપી ન્યાય મળે તેવી માંગણી કરી છે.

પોસ્કોની જોગવાઈ મુજબ હજી સુધી ૧૬૪ હેઠળ પીડિતાનું નિવેદન નોંધાયું નથી
ધોળકામાં મુસ્લિમ સગીરા પર વિધર્મી નરાધમો દ્વારા સામૂહિક બળાત્કારની ચકચારી ઘટના બની હતી. જેની પોસ્કો હેઠળ ફરિયાદ નોંધાઈ છે. પણ આ કેસમાં ધીમી તપાસ થઈ રહી હોવાનો આરોપ છે. સાથે ધોળકાના સામાજિક અગ્રણી મશઉદખાન તાલુકદારે જણાવ્યું હતું કે, સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન મુજબ પીડિતાનું ૧૬૪ કલમ અનુસાર નિવેદન લેવું જોઈએ. જે લેવામાં આવ્યું નથી. પોલીસ દ્વારા કોઈની પણ શેહ શરમ રાખ્યા વિના આ બનાવમાં જેટલા પણ લોકો સામેલ હોય તેમની વિરૂદ્ધ કાયદા મુજબ કાર્યવાહી થવી જોઈએ.  નહીંતર મુસ્લિમ સમાજ દ્વારા ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે.

ખરેખર આરોપીઓ કેટલા, ૮ કે ૧૮ ?
ધોળકામાં વિધર્મી યુવકો દ્વારા મુસ્લિમ સગીરા પર સામૂહિક દુષ્કર્મ ગુજારવાની ઘટનાથી હાહાકાર વ્યાપી ગયો હતો. ત્યારે આ સામૂહિક બળાત્કારના કેસમાં ખરેખર કેટલા આરોપીઓ સંડોવાયેલા છે તે અંગે અટકળો થઈ રહી છે. લોકચર્ચા મુજબ પોલીસ ચોપડે ભલે આઠ લોકો સામે ગેંગરેપની ફરિયાદ નોંધાઈ છે પણ આ જધન્ય અપરાઘમાં આઠથી વધુ ગુનેગારો સામેલ છે. એક ચર્ચા મુજબ ૧૮ વિધર્મી નરાધમો દ્વારા સામૂહિક દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. જ્યારે ધોળકા ટાઉનના પી.આઈ.એ જણાવ્યું હતું કે, ગેંગરેપ મામલે આઠ આરોપી સામે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. સામૂહિક બળાત્કારમાં આઠ આરોપીઓ સામેલ હતા. જે તમામની ધરપકડ કરી લેવામાં આવી છે.