ધોળકા, તા.૩૧
ધોળકા શહેરમાં લોકડાઉન દરમિયાન છેલ્લા સાત દિવસથી ખોજા ખાનાની બાજુવાળી ગલીમાં આવેલ ચોકમાં સેવાભાવી યુવક વાહીદ આશિકભાઈ રાધનપુરી (શાકભાજીવાળા) દ્વારા દરરોજ પાંચ હજાર કિલો શાકભાજીનું નાત, જાત કે કોમના ભેદભાવ વિના સાંજે પાંચ વાગે મફત વિતરણ કરવામાં આવે છે. આ પ્રશશનિય કામમાં સ્થાનિક હિન્દુ-મુસ્લિમ યુવકો જોડાતા કોમી એકતાનો સંદેશ પણ વહેતો થયો છે. ધોળકા શહેર ભાજપ દ્વારા ઝૂંપડપટ્ટીમાં રહેતા સાડા છ હજાર જેટલા ગરીબ લોકોને હોમ ટુ હોમ વઘારેલી ખીચડીનું કાર્યકરો દ્વારા સાંજે ૫થી ૭ વાગ્યા દરમિયાન કરવામાં આવે છે. ધોળકા નગરપાલિકાના પ્રમુખના જણાવ્યા મુજબ ધોળકા પોલીસ સ્ટેશન, ડીવાયએસપી કચેરી, તાલુકા સેવા સદન, પોલીસ લાઇન, એડીસીબેન્કની ત્રણેય શાખાઓનું સેનિટાઈઝેશન કરાયું છે. બજાર વિસ્તાર સહિતના રહેણાંક વિસ્તારોમાં દવા છંટકાવ અને સેનિટાઈઝેશન કરાશે. હોમ કોરોન્ટાઇ કરાયેલ ૮ મકાનોની આસપાસ પણ સેનેટાઈઝેશન કરવામાં આવેલ છે. દરમિયાન આજે લોકડાઉનના સાતમા દિવસે પણ ધોળકા પોલીસ દ્વારા ડ્રોન પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું.