(સંવાદદાતા દ્વારા) ધોળકા, તા.૭
ધોળકા એસટી સ્ટેન્ડની સામે મેઈન રોડ પર ગરીબ મઝાર કબ્રસ્તાનને અડીને પસાર થતાં જીવંત વીજ વાયરો અત્યંત ઝૂકી ગયા છે. ગમે ત્યારે આ જોખમી વીજ વાયરો મેઈન રોડ ઉપર તૂટી પડે તો જાનહાનિ થવાની દહેશત હોવા છતાં ધોળકા વીજ કચેરી દ્વારા આ વીજ વાયરોને ઊંચા કરવાની કાર્યવાહી કરવામાં ના આવતા પ્રજામાં રોષની લાગણી જન્મી છે.
પ્રાપ્ત માહિતી મુજબ ઉત્તર ગુજરાત વીજ કંપની લિમીટેડ-ધોળકા ટાઉન કચેરીના ધાંધિયા વધી ગયા છે. વારંવાર ગામમાં વીજ પુરવઠો ખોરવાતા કાળઝાળ ગરમીમાં લોકોને પંખા, એસી બંધ થતાં ભારે મુશ્કેલી વેઠવી પડે છે. નાગરિકોને કોઈપણ પ્રકારની જાણ કર્યા વિના અવારનવાર ધોળકા વીજ કચેરી દ્વારા વીજ પુરવઠો બંધ કરાતા વેપાર-ધંધા પર પણ માઠી અસર પડે છે. ધોળકા ટાઉનમાં ઘણી જગ્યાએ વીજ વાયરો ઝૂકી ગયા છે. ચોમાસા અગાઉ આવા જોખમી વાયરોને તાંણી ઊંચા કરાવવાની તાતી જરૂર છે. ધોળકા જૂના બસ સ્ટેન્ડના પ્રવેશ દ્વારા સામે મેઈન રોડ પર ગરીબ મઝાર કબ્રસ્તાનના ઝાંપાથી માંડીને મલાવ-તળાવ રોડ તરફના માર્ગ પર જીવંત વીજ વાયરો ઝૂકી ગયા છે. કોઈનો હાથ અડી જાય તો જાનહાનિ થવાનો ભય છે. આથી યુજીવીસીએલ-ધોળકા કચેરીના નાયબ ઈજનેર આ બાબતને ગંભીર ગણી તાત્કાલીક ધોળકા બસ સ્ટેન્ડ વિસ્તારમાં ઝૂકેલા વીજ વાયરો ઊંચા કરાવે તેવું લોકો ઈચ્છી રહ્યાં છે.