(સંવાદદાતા દ્વારા) ધોળકા, તા.ર૭
પ૮- ધોળકા વિધાનસભા બેઠક ઉપરથી વર્તમાન કેબિનેટ પ્રધાન અને ભાજપના દિગ્ગજ નેતા ભુપેન્દ્રસિંહ ચુડાસમાની સામે કોંગ્રેસ દ્વાર મજબૂત ઉમેદવારને ચૂંટણી મેદાનમાં ઉતારવામાં આવતા ભારે રસાકસી થવાના એંધાણ છે. કોંગ્રેસ દ્વારા ભામસરા ગામના કોળી પટેલ સમાજના ચુસ્ત કોંગ્રેસી અગ્રણી અશ્વિનભાઈ કમસુભાઈ રાઠોડને મેન્ડેટ અપાતા આજે તેમણે હજારો સમર્થકો સાથે ધોળકા તાલુકા સેવાસદન પહોંચી ચૂંટણી અધિકારી સમક્ષ ઉમેદવારી ફોર્મ ભર્યું હતું.
પ્રાપ્ત માહિતી મુજબ પ૮-ધોળકા વિધાનસભા બેઠક પરથી વિધાનસભાની ચૂંટણી લડવા માટે કોંગ્રેસ દ્વારા કોળી પટેલ સમુદાયના ચુસ્ત કોંગ્રેસી આગેવાન અશ્વિનભાઈ કમસુભાઈ રાઠોડને મેન્ડેટ આપતા આજે સવારથી જ ધોળકાની તળપદા બોર્ડિંગમાં ધોળકા શહેર અને તાલુકા તથા બાવળા પંથકમાંથી મોટી સંખ્યામાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો ઉમટી પડ્યા હતા. જેમાં ખાસ કરીને કનુભાઈ મકવાણા (બગોદરા), અશોકભાઈ રાઠોડ (ભામસરા), વાસુભાઈ સોલંકી (મેમર), ચંદનસિંહ ચાવડા, મુર્તુઝાખાન પઠાણ, વાહીદખાન પઠાણ (ગાંગડ), પ્રદ્યુમનસિંહ ચાવડા (લાલ) મુનાફભાઈ રાધનપુરી, હરીશભાઈ પરમાર, મધાભાઈ વેગડા, વિજય સોલંકી ખાસ રહ્યા હતા. કોંગ્રેસના ઉમેદવાર અશ્વિનભાઈ રાઠોડે ધોળકાના ચૂંટણી અધિકારી ધવલ જાની, સમક્ષ ટેકેદારો સાથે હાજર રહી ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. તેમણે મીડિયા સમક્ષ ધોળકા બેઠક ઉપરથી કેબિનેટ પ્રધાનને હરાવવાનો વિશ્વાસ વ્યકત કર્યો હતો. ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર શરૂ કરવા કાર્યકરોને હાંકલ કરી હતી.
ધોળકા વિધાનસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર અશ્વિનભાઈ રાઠોડે રજૂ કરેલા એફિડેવિટમાં જણાવ્યા મુજબ તેમના પાસે હાથ પર રોકડ રકમ ૭પ હજાર છે યુનિયન બેંક ઓફ ઈન્ડિયા બગોદરા શાખામાં રૂા.૧૧૦૦૦ છે. તેમની પાસે ર૦ તોલા સોનું (કિંમત રૂા.૬ લાખ)તથા એક કિલો ચાંદી (કિંમત રૂા.૪૦ હજાર) છે. ભામસરામાં રૂા.૭ર હજારની કિંમતની જમીન છે જમીન ખરીદી તેના પર કરાયેલા બાંધકામ મિલકત જેની કિંમત રૂા.૧,૬૪,પ૦,૦૦૦ છે.
ધોળકા બેઠક પરથી કોંગ્રેસે મજબૂત ઉમેદવાર અશ્વિન રાઠોડને ઉતાર્યા

Recent Comments