(સંવાદદાતા દ્વારા) ધોળકા,તા.૨૩
કોરોના વાયરસ કોવિડ-૧૯નો ત્રીજો તબક્કો શરૂ થઈ ગયો છે ત્યારે ગત મોડી રાત્રે અમદાવાદ જિલ્લાના અધિક કલેકટરે એક જાહેરનામું બહાર પાડી ધોળકાને લોકડાઉન કરવાનો હુકમ કરેલ છે. આથી આજે સવારથી માત્ર કરિયાણું, શાકભાજી, ફળફળાદિ, દવાની દુકાનો, બેંકો, હોસ્પિટલ, દૂધની ડેરી સિવાય અન્ય દુકાનો ઉપરાંત ખાનગી વાહનો અને એસટી બસો બંધ રહેવા પામી હતી. હજી પણ લોકો આ ગંભીર બીમારીને જાણે હળવાશથી લેતા હોય તેમ કામ વગર જાહેરમાં ફરતા નજરે પડે છે. ત્યારે પોલીસે કડકાઈથી કામ લેવાની જરૂર છે. લોકડાઉનના કારણે ધોળકા-અમદાવાદ હાઇવે પર વીજ સ્ટેશન પાસે પોલીસ દ્વારા નાકાબંધી કરી બહારથી આવતા વાહનોને ધોળકામાં પ્રવેશતા અને ધોળકાથી બહાર જતા વાહનોને બહાર જતા અટકાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. ધોળકા પ્રાંત અધિકારીએ આજે મીટિંગ બોલાવી સમીક્ષા કરી હતી. આરોગ્ય વિભાગ ડોકટરો, નર્સો સહિતનો સ્ટાફ ખડે પગે ફરજ બજાવી રહ્યો છે.
તો બીજી બાજુ ધોળકા નગરપાલિકા દ્વારા તાત્કાલિક અસરથી મેલેરિયા, મચ્છર તેમજ જુદાજુદા રોગોના પ્રતિકાર કરવા માટે મેઈડીન કોરિયાનું નવું વ્હીકલ માઉન્ડેટ ફોગિંગ મશીનનું આજરોજ ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું. ઉપરાંત નગરપાલિકાના પ્રમુખ ભરતભાઈ પટેલ કારોબારી ચેરમેન જનકભાઈ પટેલ તેમજ કાઉન્સિલરની મીટિંગમાં દ્વારકાપુરીથી કલીંકુઠ સર્કલ, પાશ્વનાર્થ હોસ્પિટલથી રેસ્ટ હાઉસ તેમજ સમગ્ર રોડ ઉપર મધિયા વિસ્તારમાં દવાનો છંટકાવ કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. સમગ્ર કામગીરી અશોકભાઈ વાઘેલા, હાર્દિકભાઈ તેમજ ફાયરફાઈટરના સ્ટાફ દ્વારા કરવામાં આવશે.