ધોળકા, તા.૧૮
જમ્મુ-કાશ્મીરનાં પુલવામા ખાતે સીઆરપીએફના કાફલા ઉપર થયેલા આતંકી હુમલાના વિરોધમાં આજે ધોળકામાં મુસ્લિમ આગેવાનોએ પ્રાંત અધિકારીને સંબોધીને લખેલું એક આવેદનપત્ર નાયબ મામલતદાર હેમેન્દ્રસિંહ ચાવડાને પાઠવ્યું હતું.
આ આવેદનપત્રમાં જણાવાયું છે કે તાજેતરમાં જમ્મુ-કાશ્મીરના પુલવામા સીઆરપીએફના જવાનો ઉપર થયેલા આતંકવાદી હુમલામાં શહીદ થયેલ જવાનો પ્રત્યે અત્યંત દુઃખની લાગણી સમસ્ત મુસ્લિમ સમાજ અનુભવે છે. આ ઘટના ઘણી નિંદનીય છે. આ ઘટનામાં સંડોવાયેલા આતંકવાદીઓ સામે ઉપર સખતાઈથી પગલા લેવા જોઈએ તેવી ધોળકાના મુસ્લિમ સમાજની લાગણી અને માગણી છે. તમામ શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ આપીએ છીએ અને તેમના પરિવારજનો પ્રત્યે સંવેદના અને ઘાયલ થયેલ જવાનો ઝડપથી સાજા થાય તેવી દુવા કરીએ છીએ.
આ આવેદનપત્ર પાઠવવા માટે મુસ્લિમ અગ્રણીઓ મુસ્તુફામિયાં મલેક, અબ્દુલભાઈ રાધનપુરી (ગારમેન્ટવાલા), ઈબ્રાહીમભાઈ (સ્ટાર ઓટોવાળા), વશીબાપુ પીરઝાદા, અબ્દુલ્ભાઈ મનસુરી, શબ્બીરઅલી મોમીન (લોટીવાલા), કમરઅલી ચંડીસરવાળા, વલીભાઈ ડીલાઈટવાળા, ડૉ. હબીબુલ્લાખાન પઠાણ, ઈકબાલભાઈ ભંગારવાળા, યુસુફભાઈ ભડીમ, ગુલામરસુલ વેપારી, સફીમોહંમદ હાડવૈદ્ય, સાબીરભાઈ ટેટીવાલા, અઝીઝભાઈ અત્તરવાલા, મૌલાના અબ્દુલરહીમ મોમીન, વાએજચાચા ફુલવાલા વગેરે હાજર રહ્યા હતા.