ધોળકા, તા.રર
ધોળકા-સરખેજ હાઈવે ઉપર ભાત ગામ નજીક બે બાઈક સામસામે અથડાતા બદરખા ગામના બે બાઈક સવારોના ગંભીર ઈજા થવાથી કમકમાટીભર્યા મોત નિપજ્યા છે અને ત્રણ બાઈકસવાર ઈજાગ્રસ્ત થયેલ છે.
પ્રાપ્ત માહિતી મુજબ આજે સવારના સુમારે ધોળકા-સરખેજ હાઈવે ઉપર ભાત ગામ નજીક માર્ગ અકસ્માત સર્જાયો હતો. ભાત ગામ પાસેની નર્મદા કેનાલના પુલ પર બે બાઈકો ધડાકાભેર સામસામે અથડાતા એક બાઈક ઉપર સવાર બદરખા ગામના અશોક નિકુંજભાઈ પરમાર (દેવીપૂજક) (ઉં.વ.ર૦) તથા ધર્મેશ રમેશભાઈ ચુનારા (ઉં.વ.ર૦)ના ગંભીર ઈજા થવાથી કમકમાટીભર્યા મોત નિપજ્યા છે. જ્યારે બીજી બાઈક પર સવાર ધોળકાના વતની દીપક પટેલ (ઉં.વ.૪૬) મહર્ષિ પટેલ (ઉં.વ.૧ર) અને સવિતા પટેલ (ઉં.વ.ર૧) ઈજાગ્રસ્ત થયા હતા. આ બનાવની જાણ થતાં ધોળકા ૧૦૮ એમ્બ્યુલન્સ લઈને ઈએમટી અરવિંદભાઈ તથા પાઈલોટ વનરાજીસિંહ અને સનાથલ ૧૦૮૯ના ઈએમટી શાંતિ પરમાર અને પાઈલોટ અનિરૂદ્ધસિંહ ચૌહાણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને ઘાયલોને પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે અમદાવાદ ખસેડાયા છે. આ અકસ્માતના બનાવ સંદર્ભે અસલાલી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.