(સંવાદદાતા દ્વારા) ધોળકા, તા.૧૩
ધોળકા-સરખેજ હાઈવે પર ગત સાંજે ધોળકાનાં મુસ્લિમ સમુદયાના લોકોને ટાર્ગેટ બનાવીને તેમના વાહનો રોકી ઢોરમાર મારી વાહનોમાં તોડ-ફોડ કરવાનાં બનાવમાં ધોળકા પોલીસે હજુ સુધી એફઆઈઆર નહીં નોંધતા હુમલાખોરોને ભોગ બનેલાઓ પૈકીના એક વ્યક્તિ પઠાણ સલમાનખાન બિસ્મીલ્લાખાન (રહે. ખાનનાં પરા, છેલ્લા સિગ્નલ પાસે, ધોળકા)એ આજે ધોળકા પોલીસ મથકના ટાઉન પીઆઈને લેખિત ફરિયાદ આપી હુમલાખોરો વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવા માગણી કરી છે. આ લેખિત રજૂઆતની નકલો ધોળકાના એએસપી તથા અમદાવાદ જિલ્લા પોલીસ અધિક્ષકને રવાના કરવામાં આવી છે.
પ્રાપ્ત વિગત મુજબ ધોળકાથી સરખેજ વચ્ચે શટલીયા ઈકો તથા રિક્ષા ચલાવી પેટીયુ રળી રહેલાં ધોળકાના મુસ્લિમ વાહનચાલકોને બદરખાના અમુક લુખ્ખા તત્ત્વોએ શેખડી ગામ નજીક બળજબરીપૂર્વક આંતરીને “નામ પૂછી પૂછીને” લાકડીઓ વડે બેરહેમીપૂર્વક ઢોરમાર મારી આતંક મચાવી મૂક્યો હતો. લુખ્ખાઓના ત્રાસના કારણે ધોળકા-સરખેજ હાઈવે પર ડરના માર્યા ખાનગી વાહનો નિકળતાં બંધ થઈ ગયા હતા. લુખ્ખાઓના હુમલામાં ઉસ્માનગની ઈબ્રાહીમભાઈ મનસુરી, જુનેદમહંમદ હનીફભાઈ સૈયદ અને સલમાનખાન બિસ્મીલ્લાખાન પઠાણ ઘાયલ થતાં સારવાર માટે ધોળકા સરકારી દવાખાનામાં લાવવામાં આવેલા. આ બનાવની જાણ થતાં ધોળકા પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ત્રણેક ઈસમોની અટકાયત કરી હતી પરંતુ આ બનાવ સંદર્ભે એફઆઈઆર નોંધવામાં આવી ન હતી. સમાધાનના પ્રયાસો ચાલુ હતા પરંતુ હુમલાનો ભોગ બનનારા સમાધાન કરવા તૈયાર થયા ન હતા. તા.૧ર-૧-ર૦૧૮ની સાંજે આશરે ચાર વાગે બનેલા બનાવ સંદર્ભે તા.૧૩-૧-ર૦૧૮ની સાંજના ચાર વાગ્યા સુધીમાં એટલે કે બનાવના ર૪ કલાક બાદ પણ ધોળકા પોલીસે ગુનો દાખલ કર્યો ન હતો. આથી તા.૧૩-૧-ર૦૧૮ના રોજ પઠાણ સલમાનખાન બિસ્મીલ્લાખાને ધોળકા ટાઉન પીઆઈને તેની ગાડી રોકી લૂટ ચલાવી માર મારવામાં આવ્યો હોવાની લેખિત ફરિયાદ આપી છે. આ ફરિયાદમાં જણાવાયું છે કે તા.૧ર-૧-૧૮ના રોજ સાંજના સમયે ધોળકાથી અમદાવાદ મુકામેથી ખરીદી કરવા જતા હતા. ત્યારે સાંજના ૪ કલાકે શેખડી મુકામે પહોંચતણા ધોળકા અમદાવાદ હાઈવે ઉપર ૭થી ૮ અજાણ્યા ઈસમો લાકડીઓ લઈને ઊભા હતા એ સમયે અમારી ઈકો ગાડી નં. જી.જે.૧ આર.એસ.૧૬ર૪ રોકી હતી તેમાં હું તથા મારો મિત્ર નામે હક્કાની અફઝલ નાસીરભાઈ હતા. અમારી અમારૂ નામ પૂંછી મીયાંભાઈ છું તેમ કહી ત્રણ-ચાર ઈસમોએ મળીને અમોને ગાડીથી બહાર કાઢી ઢોર માર મારવાનું ચાલુ કરેલ અને ખિસ્સામાંથી ખરીદીના રૂા.૧ર,૦૦૦/- રોકડ તથા અન્ય પરચૂરણ ખિસ્સામાંથી કાઢી જમીન ઉપર નીચે પાડી દઈ ગડદાપાટુનો માર મારવાનું ચાલુ રાખેલ. જેમ તેમ કરી ત્યાથી ભાગવામાં સફળતા મેળવેલ, અમોને આ ઈસમોએ કહેલ કે બાંડિયાઓ અહીંયા આ રસ્તા ઉપરથી તમારે જવાનું નથી તમારે જવું હોય તો બાવળા રોડ ફરીને જાવ મારતા હતા તે દરમ્યાન કેટલાક લોકોએ અમારી ગાડી ઉપર લાકડીથી તોડફોડ કરી ગાડી ના કાચ ફોડી નાખેલ તથા ગાડીમાં અન્ય નુકસાન કરેલ જ્યાંથી અમો ધોળકા મુકામે દવાખાને આવેલ. ત્યારથી અમોને અમદાવાદ મુકામે વીએસ હોસ્પિટલે વધુ સારવાર માટે મોકલી આપેલ. આમ અમોને ઘણું જ શારીરિક અને આર્થિક નુકસાન થયેલ છે. આ કામના કેટલાક ઈસમોને પોલીસ દ્વારા અટક કરવામાં આવેલ ત્યારબાદ રાત્રિના પોલીસ દ્વારા છોડી મુકેલ.
આમ અમને રૂા.૧ર,૦૦૦/- રોકડા તથા વાહનમાં રૂા.૪૦,૦૦૦/-નું નુકસાન થયેલ છે. અમો ડ્રાઈવર હોઈ હજુ પણ અમારી જાનમાલનું નુકસાન થવાનો ભય છે. જો આ પ્રમાણે ચાલતુ રહે તો અમારા કુટુંબ કબિલાનું ભરણ-પોષણ કરવું અમારા માટે ઘણું જ મુશ્કેલ બન્યુ છે. ત્યારે આરોપીઓની વિરૂધ્ધ કડકથી કડક પગલાં લઈ યોગ્ય કાર્યવાહી કરવા માગણી કરી છે.