અમદાવાદ, તા.૧પ
ધોરણ-૧ર સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી અને ઉ.ઉ. બુનિયાદી પ્રવાહના પરિણામ બાદ ગુણ ચકાસણીની અરજીઓ ઓનલાઈન સ્વીકારવામાં આવી હતી. હવે ગુણ ચકાસણીના જવાબો આવતીકાલ તા.૧૬/૭/ર૦ર૦થી તા.૩૦/૭/ર૦ર૦ સુધી ઓનલાઈન માધ્યમથી આપવા બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જણાવાયું છે કે, માર્ચ-ર૦ર૦ ધોરણ-૧ર (સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, ઉ.ઉ.બુ. પ્રવાહ)નું પરિણામ તારીખ ૧પ/૬/ર૦ર૦ના રોજ જાહેર કરવામાં આવેલ હતું. પરિણામ બાદ ગુણ ચકાસણીની અરજીઓ ઓનલાઈન માધ્યમથી સ્વીકારવામાં આવેલ હતી. હવે પરીક્ષાના ગુણ ચકાસણી બાદના જવાબો ઓનલાઈન માધ્યમથી બોર્ડની વેબસાઈટ www.gseb.org અથવા hsc.gseb.org   પર તા.૧૬/૭/ર૦ર૦ના રોજ બપોરે ૧૪ઃ૦૦ કલાકથી તા.૩૦/૭/ર૦ર૦ સુધી ઓનલાઈન ડાઉનલોડ કરી શકાશે. તે માટે વિદ્યાર્થીઓ કે વાલીઓ દ્વારા કરવામાં આવેલ અરજીની વિગત (સીટ નંબર, મોબાઈલ નંબર અને પાસવર્ડ)નો ઉપયોગ કરી લોગીન કરવાનું રહેશે અને જવાબ (રિપોર્ટ) ડાઉનલોટ કરવાનો રહેશે.
જે વિદ્યાર્થીઓના પરિણામમાં સુધારો છે તેઓને શાળાના સરનામે સુધારેલ ગુણપત્રક મોકલી આપવામાં આવશે. ગુણ સુધારણા બાદ ૧ વિષયમાં અનુતિર્ણ રહેવાના કારણે જે વિદ્યાર્થીઓ પૂરક પરીક્ષાને પાત્ર થતા હોય તે કિસ્સામાં શાળાના લેટરહેડ અને પરિશિષ્ટ-એ મુજબની વિગત સહિતની અરજી અને પરીક્ષા ફી (જો ભરવા પાત્ર થતી હોય તો) સચિવ, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગરના નામે ડીમાન્ડ ડ્રાફ્ટ કઢાવી તમામ દસ્તાવેજો સાથે મદદનીશ સચિવ (સામાન્ય પ્રવાહ) ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગરના નામે મોકલી આપવાની રહેશે.
સરકાર દ્વારા કન્યા ઉમેદવારો અને દિવ્યાંગ ઉમેદવારોને પરીક્ષા ફીમાંથી મુક્તિ આપેલ છે. તેથી તેઓની ફક્ત વિગત મોકલી આપવાની રહેશે. આ સંબંધિત કાર્યવાહી માટે રૂબરૂ આવવાની જરૂરિયાત રહેશે નહીં.