મોરબી, તા.૯
મોરબીના પીપળીયા ગામે રહેતી વિદ્યાર્થીનિએ આજે ગળેફાંસો ખાઈને આપધાત કરી લીધો હતો. જેમાં આજે ઓનલાઈન જાહેર થયેલા ધો.૧૦ની પરીક્ષાના પરિણામમાં આ વિદ્યાર્થીની નાપાસ થતા તેણે હતાશામાં આવી જઈને આ અંતિમ પગલું ભરી લીધાનું તેના પરિવારજનોએ જણાવ્યું હતું.
મોરબીના પીપળીયા ગામે રહેતી કીર્તિબેન મગનભાઈ જાદવ (ઉ.વ. ૧૬) નામની વિદ્યાર્થીનીએ આજે તેના ઘરે ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. બાદમાં તેના મૃતદેહને પીએમ અર્થે ખસેડાયો હતો. આ બનાવ અંગે મૃતકના પરિવારજનોએ જણાવ્યું હતું કે તેમની પુત્રી ક્રિતી ધો. ૧૦માં માળીયાના સરવડ ગામે આવેલ હાઇસ્કુલમાં ભણતી હતી. દરમિયાન આજે ધો.૧૦ નું ઓનલાઈન પરિણામ જાહેર થયું હતું. જેમાં કીર્તિ ધો. ૧૦ની પરીક્ષામાં એક વિષયમાં નાપાસ થઈ હતી. જોકે કીર્તિ ભણવામાં તેજસ્વી હતી આમ છતાં તે ધો ૧૦ ની પરીક્ષામાં ફેઈલ થતા તેને નાસીપાસ થઈ ગઈ હતી. અને હતાશામાં આવી જઈને તેણીએ આ અંતિમ પગલું ભરી લીધું હતું. મૃતક વિદ્યાર્થીની ચાર ભાઈ-બહેનોમાં સૌથી નાની હતી. તેના માતા-પિતા મજૂરી કામ કરે છે. તેણીએ આપઘાત કરી લેતા તેના પરિવારમાં અરેરાટી મચી ગઇ હતી. તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.