અમદાવાદ, તા.૧૧
ધોરણ ૧૦ની બોર્ડની પરીક્ષા પાસ કરનાર વિદ્યાર્થીઓ માટે ડિપ્લોમા એન્જિનિયરિંગમાં એડમિશન માટેની રજિસ્ટ્રેશન પ્રક્રિયા ૧૩ જુલાઈથી શરૂ થશે, જે ૮ ઓગસ્ટ સુધી ચાલુ રહેશે.
રજિસ્ટ્રેશન ફીમાં ઘટાડો કરવામાં આવ્યો છે અને હવે માત્ર ૨૦૦ રૂપિયા રજિસ્ટ્રેશન ફી ભરીને વિદ્યાર્થીઓ ઓનલાઈન રજિસ્ટર કરાવી શકે છે. રાજ્યની જુદી-જુદી ડિપ્લોમાં કોલેજોમાં વ્યવસ્થા કરવામાં આવી છે, ત્યારે વિદ્યાર્થીઓ ઓનલાઈન પદ્ધતિનો ઉપયોગ કરીને ઘરેથી પણ રજિસ્ટર કરાવી શકે છે. જો કે, પ્રવેશ પ્રક્રિયા ક્યારથી શરૂ થશે તે અંગે પૂરતી સ્પષ્ટતા કરાઈ નથી.
જ્યારે આ અંગે પૂછવામાં આવ્યું તો, ડિપ્લોમાં એડમિશન કમિટીના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે, આ વિશે નિર્ણય લેવાનો હજુ બાકી છે.
ગયા વર્ષે, ૬૬,૦૦૦ સીટો માટે પ્રવેશ પ્રક્રિયા હાથ ધરાઈ હતી. આ વર્ષે તેની સંખ્યા ઘટાડીને ૫૬,૦૦૦ કરવામાં આવી છે. જેમાંથી ૩૯,૦૦૦ સીટો સેલ્ફ-ફાયનાન્સ કોલેજોેની છે.