અમદાવાદ,તા. ૫
ધોરણ-૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષાઓ આગામી તા.૧૨મી માર્ચથી શરૂ થઇ રહી છે ત્યારે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જો કોઇ શાળા દ્વારા પરીક્ષાર્થી વિદ્યાર્થીની હોલ ટિકિટ અટકાવાશે તો તે શાળા અને આચાર્ય વિરૂધ્ધ કડક કાર્યવાહી કરવાની ચીમકી ઉચ્ચારી છે. સાથે સાથે બોર્ડે પરીક્ષાર્થી વિદ્યાર્થીઓને આશ્વસ્થ કરતાં નવી જોગવાઇ કરતાં જણાવ્યું છે કે, જો કોઇ વિદ્યાર્થીને તા.૬ઠ્ઠી માર્ચ સુધીમાં હોલ ટિકિટ ના અપાય તો, વિદ્યાર્થી પોતે જિલ્લા શિક્ષણાધિકારી ફરિયાદ કરી શકશે. બીજીબાજુ, રાજયના શિક્ષણવિભાગ દ્વારા પણ રાજયની તમામ શાળાઓને આવતીકાલ સુધીમાં પરીક્ષાર્થી વિદ્યાર્થીઓને હોલ ટિકિટ મળી જાય તેવી કડક તાકીદ કરવામાં આવી છે. ધોરણ-૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષામાં વિદ્યાર્થીઓ માટે પરીક્ષા ખંડમાં પ્રવેશ મેળવવા માટે હોલ ટિકિટ બહુ અગત્યની હોય છે, જેથી બોર્ડ દ્વારા તાજેતરમાં જ રાજયના વિવિધ જિલ્લા કક્ષાના વિતરણ કેન્દ્રો પર ધોરણ-૧૦ અને ૧૨ના વિદ્યાર્થીઓની હોલ ટિકિટ પહોંચાડી દેવાની વ્યવસ્થા કરી દેવામાં આવી હતી. જિલ્લા વિતરણ કેન્દ્રો પરથી જે તે શાળાઓને આ હોલ ટિકિટ પહોંચાડવાની તજવીજ પણ હાથ ધરાઇ હતી. તા.૧લી માર્ચથી જે તે શાળાઓ દ્વારા ધોરણ-૧૦ અને ૧૨ના પરીક્ષાર્થી વિદ્યાર્થીઓને આ હોલ ટિકિટ વિતરણ કરવાનું શરૂ કરાયું હતું પરંતુ હજુ પણ કેટલીક શાળાઓ અને સંચાલકો એવા છે કે, જેમણે ઉંચી ફી ભરવાના દબાણને લઇ વિદ્યાર્થીઓની હોલ ટિકિટ અટકાવી રાખી છે. બોર્ડના પરીક્ષાર્થી વિદ્યાર્થીઓની છૂટીછવાઇ આવી ફરિયાદો બોર્ડ સત્તાવાળાઓ સુધી પહોંચતા રાજયના શિક્ષણવિભાગના અધિકારીઓ પણ હરકતમાં આવ્યા હતા. શિક્ષણવિભાગ દ્વારા આવતીકાલે તા.૬ઠ્ઠી માર્ચ સુધીમાં કોઇપણ સંજોગોમાં વિદ્યાર્થીઓને તેમની હોલ ટિકિટ આપી દેવા શાળાઓ અને આચાર્યોને કડક તાકીદ કરી છે અને જો શાળાઓ દ્વારા વિદ્યાર્થીઓની હોલ ટિકિટ અટકાવાય તો વિદ્યાર્થીઓને સીધી જ જિલ્લા શિક્ષણાધિકારીને ફરિયાદ કરવા તાકીદ કરી છે. જિલ્લા શિક્ષણાધિકારીને મળેલી ફરિયાદના આધારે આવી કસૂરવાર શાળાઓ વિરૂધ્ધ સરકાર દ્વારા કાર્યવાહી કરવામાં આવશે તેવી ચીમકી પણ શિક્ષણવિભાગ દ્વારા ઉચ્ચારવામાં આવી છે. બોર્ડ દ્વારા વિદ્યાર્થીઓની મદદ માટે હેલ્પલાઇન ૧૮૦૦૨૩૩૫૫૦૦ નંબર ઉપરાંત જિલ્લા શિક્ષણાધિકારી અમદાવાદ શહેર માટે ૯૯૦૯૯૭૦૨૦૧ અને અમદાવાદ ગ્રામ્ય માટે ૯૯૦૯૯૭૦૨૦૨ મોબાઇલ નંબર જારી કરી તેની પર વિદ્યાર્થીઓને સીધી ફરિયાદ કરવા મંજૂરી આપી છે.