અમદાવાદ, તા.૨૭
ધોરણ-૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષાઓ આગામી તા.૧૨મી માર્ચથી શરૂ થઇ રહી છે ત્યારે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આ અંગેની તડામાર તૈયારીઓ આરંભી દેવાઇ છે. જેના ભાગરૂપે હવે તા.૧લી માર્ચે ગુરૂવારથી શાળાઓ દ્વારા પરીક્ષાર્થી વિદ્યાર્થીઓને પરીક્ષામાં બેસવા દેવા અંગેની હોલ ટિકિટનું વિતરણ શરૂ કરવામાં આવશે. સવારે ૧૦થી સાંજે ૪ વાગ્યા દરમ્યાન વિદ્યાર્થીઓ પોતાની શાળામાંથી હોલ ટિકિટ મેળવી શકશે. ધોરણ-૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષામાં વિદ્યાર્થીઓ માટે પરીક્ષા ખંડમાં પ્રવેશ મેળવવા માટે હોલ ટિકિટ બહુ અગત્યની હોય છે, જેથી બોર્ડ દ્વારા જિલ્લા કક્ષાના વિતરણ કેન્દ્રો પર ધોરણ-૧૦ અને ૧૨ના વિદ્યાર્થીઓની હોલ ટિકિટ પહોંચાડી દેવાની વ્યવસ્થા કરી દેવામાં આવી છે અને આ અંગેની પ્રક્રિયા આરંભાઇ છે. જિલ્લા વિતરણ કેન્દ્રો પરથી જે તે શાળાઓને આ હોલ ટિકિટ પહોંચાડવામાં આવશે. ત્યારબાદ બીજા દિવસે એટલે કે, તા.૧લી માર્ચે જે તે શાળાઓએ ધોરણ-૧૦ અને ૧૨ના પરીક્ષાર્થી વિદ્યાર્થીઓને આ હોલ ટિકિટ વિતરણ કરી દેવાની રહેશે. વિદ્યાર્થીઓ પોતાની શાળા પરથી સવારે ૧૦થી સાંજે ૪ વાગ્યા દરમ્યાન પોતાની હોલ ટિકિટ મેળવી શકશે. જો કોઇ સંજોગોમાં કે કોઇ કારણસર વિદ્યાર્થીને હોલ ટિકિટ ના મળે તો તેવા કિસ્સામાં જે તે વિદ્યાર્થી અથવા તેના વાલીએ તાત્કાલિક પોતાની શાળાના આચાર્ય અને જિલ્લા શિક્ષણાધિકારીનો સંપર્ક કરવાનો રહેશે અને આ અંગે તેમનું ધ્યાન દોરવાનું રહેશે. એટલું જ નહીં, બોર્ડ દ્વારા શરૂ કરાયેલી હેલ્પલાઇન ૧૮૦૦૨૩૩૫૫૦૦ નંબર પર પણ વિદ્યાર્થી કે વાલી ફરિયાદ કરી શકે છે. તમામ પરીક્ષાર્થીઓને બોર્ડની હોલ ટિકિટ મળી જાય તે જોવાની તમામ જવાબદારી શાળાના આચાર્યની નક્કી કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, રાજય સરકાર દ્વારા ધોરણ-૧૦ અને ૧૨ના વિદ્યાર્થીઓની હોલ ટિકિટ નહીં અટકાવવાની શાળાઓને કડક તાકીદ કરાયા બાદ તાજેતરમાં જ સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજયુકેશન (સીબીએસઇ) દ્વારા પણ તમામ શાળાઓને વિદ્યાર્થીઓની હોલ ટિકિટ કોઇપણ સંજોગોમાં નહીં અટકાવવા તાકીદ કરાઇ હતી. જો કે, હજુ પણ કેટલાક ખાનગી અને સ્વનિર્ભર શાળા સંચાલકો દ્વારા હોલ ટિકિટ અટકાવતાં હોવાની ફરિયાદો રાજ્યના શિક્ષણ વિભાગ સુધી પહોંચતાં હવે બોર્ડે પરિપત્ર જારી કર્યો છે કે, કોઇપણ સંજોગોમાં ધોરણ-૧૦ અને ૧૨ના વિદ્યાર્થીઓની હોલ ટિકિટ અટકાવવામાં ન આવે અને જો વિદ્યાર્થીઓને હોલ ટિકિટ નહીં અપાય તો, તેવી કસૂરવાર શાળાઓ વિરૂદ્ધ માન્યતા રદ કરવા સુધીના પગલા સરકાર દ્વારા લેવામાં આવશે. બીજીબાજુ, સરકારે પણ વિદ્યાર્થીઓ અને વાલીઓને આ મુદ્દે નિશ્ચિંતતા આપતાં બોર્ડની હેલ્પલાઇન ૧૮૦૦૨૩૩૫૫૦૦ પર આ અંગેની ફરિયાદ કરવાની સત્તા આપી છે. બોર્ડની આ હેલ્પલાઇન આમ તો, વિદ્યાર્થીઓને મૂંઝવતા પ્રશ્નોના ઉકેલ માટે છે પરંતુ બોર્ડ અને સરકાર દ્વારા હવે જાહેર કરાયું છે કે, જો બોર્ડના વિદ્યાર્થીઓની હોલ ટિકિટ કોઇપણ શાળા સંચાલક દ્વારા અટકાવાય અથવા તો તે વિદ્યાર્થીઓને ન અપાય તો વિદ્યાર્થીઓ કે વાલીઓ બેધડક આ હેલ્પલાઇન નંબર પર ફોન કરી ફરિયાદ કરી શકે છે.
ધો-૧૦-૧ર બોર્ડની પરીક્ષાની હોલ ટિકિટનું વિતરણ ૧લી માર્ચથી

Recent Comments