ગાંધીનગર,તા.૧પ
રાજયમાં વિદ્યાર્થીઓની વાંચન ક્ષમતા અને જ્ઞાન કૌશલ્ય વિકસાવવાના હેતું સાથે ધો.૩થી ૮ના વિદ્યાર્થીઓ માટે વાંચન અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જેમાં ૧૦૦ દિવસ સુધી દરરોજ એક કલાક વિદ્યાર્થીઓ મોટેથી ગુજરાતી વાંચશે.
પ્રાથમિક શિક્ષણમાં ભણતા વિદ્યાર્થીઓમાં વાચંન માટેનો અભિગમ કેળવાય અને વાંચન સમૃદ્ધ થવાથી લાંબાગાળે તેમની વાંચન ક્ષમતા અને જ્ઞાનની ક્ષિતિજો વિકસે તેવા ઉમદા હેતુ સાથે ધોરણ-૩થી ૮ના વિદ્યાર્થીઓ માટે મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે તથા શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા તેમજ પ્રાથમિક શિક્ષણ સચિવ વિનોદ રાવની ઉપસ્થિતિમાં તા.૧૪-૧૧-ર૦૧૯થી વાંચન અભિયાનનો રાજયભરમાં પ્રારંભ થયો છે. સત્રની શરૂઆતમાં તા.૧૪-૧૧-ર૦૧૯થી તા.ર૩-૧૧-ર૦૧૯ દરમ્યાન મૌખિક ભાષા વ્યવહાર પ્રવૃતિઓ થશે અને ત્યાર બાદ વાંચન અભિયાનના બીજા તબક્કાના ભાગરૂપે આ વાંચન અભિયાન તા.ર૩,નવેમ્બરથી ૩ એપ્રિલ, ર૦ર૦ સુધી-ર૬ અઠવાડિયા માટે ચાલશે. ૧૬મી નવેમ્બરે બાયસેગના માધ્યમથી રાજયના ધોરણ-૩થી ૮ના તમામ શિક્ષકોની તાલીમ યોજાશે. તા.ર૩, નવેમ્બરના રોજ ધોરણ-૩થી ૮ના વિદ્યાર્થીઓની વાંચન અર્થગ્રહણની પ્રિ-ટેસ્ટ યોજાશે. તેમજ તા.૪,એપ્રિલ-ર૦ર૦ના રોજ વાંચન અર્થગ્રહણની પોસ્ટ ટેસ્ટ યોજાશે. રપ, નવેમ્બરથી ૩ એપ્રિલ-ર૦ર૦ સુધી ધોરણ-૩થી ૮માં ભાષાદીપ અભ્યાસપોથી અંતર્ગત ઓછામાં ઓછા દિવસના ૧ કલાક લેખે કુલ ૧૦૦ દિવસની પ્રવૃતિઓ વર્ગશિક્ષક દ્વારા વર્ગખંડમાં કરાવવામાં આવશે. આ ઉપરાંત શાળામાં દૈનિક પ્રાર્થનાસભામાં પણ વાંચન અર્થગ્રહણ સંદર્ભે પ્રવૃતિઓ યોજવામાં આવશે. આ અભિયાન દરમ્યાન વ્દ્યિાર્થીઓની વાંચન અર્થગ્રહણ સ્પર્ધા પણ યોજવામાં આવશે. વાંચન અભિયાનની આ શૈક્ષણિક પ્રવૃતિનું મોનીટરીંગ ડીપીઈઓ, ડાયટ પ્રાચાર્ય, બીઆરસી, સીઆરસી કેળવણી નિરીક્ષક, તેમજ ડાયટના અધ્યાપકો દ્વારા કરવામાં આવશે.