મોડાસા, તા.ર૬
ભિલોડાના એક ગ્રામ્ય વિસ્તારમાં ધો.૮માં અભ્યાસ કરતી બાળા ખેતરમાં ઘાસ લેવા જતા ગામના જ નરાધમ સગીર યુવકે પહોંચી ઘઉંવાળા ખેતરમાં ખેંચી જઈ દુષ્કર્મનો પ્રયાસ કરતા બાળાએ હિંમતભેર દુષ્કર્મીનો પ્રતિકાર કરતા ભાગી છૂટવામાં સફળ રહેતા પીંખાતી બચી ગઈ હતી.
ભિલોડાના એક ગ્રામ્ય વિસ્તારમાં શ્રમજીવી પરિવારની ધો.૮માં અભ્યાસ કરતી બાળાને તેની માતાએ પશુઓ માટે ચીકુડી (ઘાસ) લેવા મોકલતા ખેતરમાં ઘાસ કાપતી બાળાની એકલતાનો લાભ લઈ ખેતરમાં ગામનો જ નરાધમ સગીર પહોંચી બાળકીને પાછળથી પકડી લઈ નજીક ઘઉંના ખેતરમાં ખેંચી લઈ જઈ નીચે પાડી દઈ દુષ્કર્મનો પ્રયાસ કરતા બાળાએ હિંમતભેર નરાધમ સગીરનો પ્રતિકાર કરી છટકી નાસી જઈ થોડે દૂરથી પસાર થતા ગામના વ્યક્તિ પાસે પહોંચી જતા દુષ્કર્મનો ભોગ બનતા બચી ગઈ હતી. બાળાએ ઘરે જઈ પરિવારજનોને સમગ્ર ઘટના અંગે જાણ કરતા સમસમી ઉઠ્યા હતા. બાળાના પિતાએ ભિલોડા પોલીસ સ્ટેશનમાં સગીર વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા ભિલોડા પોલીસે ઇપીકો કલમ-૩૫૪(એ) તથા પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.