અમદાવાદ,તા.૧૩

એક ગોલ નક્કી કરો, ધ્યાન કેન્દ્રીત કરો અને આયોજનપૂર્વક મહેનત કરો તો સફળતા મળે જ છે. આ શબ્દો છે જીટીયુમાં બાયોમેડિકલમાં પ્રથમ સ્થાન હાંસલ કરનાર ચૌહાણ રિફઅતના.  અમદાવાદમાં રહેતા સામાજિક કાર્યકર નાઝીમભાઈની દીકરીએ કોરોના મહામારી વચ્ચે ઓનલાઈન યોજાયેલ બાયોમેડિકલની ફાઈનલ પરીક્ષામાં સમગ્ર ગુજરાત ટેકનોલોજિકલ યુનિવર્સિટી (જીટીયુ)માં પ્રથમ સ્થાન  મેળવી ઘર-પરિવાર અને સમાજનું ગૌરવ વધાર્યું છે. રિફઅતે દરરોજ ત્રણથી ચાર કલાક જેટલી જ મહેનત કરીને આ લક્ષ્ય હાંસલ કર્યું છે. તેણે ૧૦માંથી ૯.૩૬ સીજીપીએ, ૧૦માંથી ૮.૮૪ સીપીઆઈ તેમજ ૧૦માંથી ૯.૬૦ એસપીઆઈ રેન્ક મેળવી શ્રેષ્ઠ સફળતા હાંસલ કરી છે. તેણે પરીક્ષાના ચાર પેપરમાં એબી,એએ,એએ,એબી તથા પ્રોજેકટ પેપરમાં પણ એએ ગ્રેડ મેળવ્યો છે જે તેની તેજસ્વીતાનો પરિચય કરાવે છે. હાલ દેશ અને દુનિયામાં કોરોના  મહામારીનો ભય છે. ત્યારે આવા માહોલમાં પણ અભ્યાસમાં ધ્યાન પરોવી રિફઅતે આ  સ્થાન હાંસલ કર્યું છે. તેના માટે તમારામાં અભ્યાસ પ્રત્યે રસ રૂચિ હોય  એ જરૂરી છે. તમે કેટલુ વાંચો છો એના  કરતા તમે કેવું ધ્યાનપૂર્વક વાંચો છો એ ખુબ જરૂરી છે. વળી જે છોકરીઓ ખાસ કરીને મુસ્લિમ સમાજમાં અભ્યાસમાં રસ હોવા છતાં ભણી શકતી નથી. તેમણે ઘરે રહી અભ્યાસ કરવો જોઈએ. રિફઅતે સાબિત કરી બતાવ્યું છે કે સફળતા પર  કોઈનો ઈજારો નથી જો તમે મહેનત કરશો તો તમે કોણ છો. એ સફળતા નહી જુએ સફળતા એ મહેનત કરનારની દાસી છે. આમ આ સફળતાના ક્ષેત્રે આગળ વધી રિફઅત માસ્ટર ડિગ્રીનો અભ્યાસ કરી સર્જરીના ક્ષેત્રે આગળ વધવા અથવા તો પોતાની લેબ ખોલવાની ઈચ્છા ધરાવે છે. રિફઅતે મેળવેલી આ  શ્રેષ્ઠ સફળતા અન્ય અનેક મુસ્લિમ છોકરીઓ માટે પ્રેરણારૂપ બનશે.