(સંવાદદાતા દ્વારા) સુરેન્દ્રનગર, તા.૧૬
સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશનમાં ભડકાઉ ભાષણ અંગે હાર્દિક પટેલ અને કૌશિક પટેલ ઉપર ફરિયાદ થઇ હતી તેના અનુસંધાને હાર્દિક પટેલ તથા કૌશિક પટેલ બંનેએ તાલુકા પોલીસ સ્ટેશને હાજર રહી જામીનની પ્રક્રિયા પૂર્ણ કરી હતી.આ કેસની વિગત અનુસાર ગુજરાતની ચૂંટણીમાં પ્રથમ તબક્કાના મતદાન લીધે આચારસંહિતા લાગી હતી. પરંતુ ધ્રાંગધ્રા તાલુકાના હરિપર ગામે ચાય પે ચર્ચાનો ધાર્મિક કાર્યક્રમ રાખ્યો હતો. તેમાં પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર હાર્દિક પટેલ જાહેરસભા સંબોધી હતી. ત્યારે ભાજપ વિરોધી મતદાન અને રાજકીય પક્ષોની વાતનો ઉલ્લેખ કરી સભાનો પરમિશન સમયે ધર્મ સભાનું નામ આપી આચારસંહિતાનો ભંગ કર્યો હોય તેને લઈને વિધાનસભાની ચૂંટણીના પરિણામ બાદ હરિપર ગામે ધ્રાંગધ્રાના ટીડીઓ દ્વારા હાર્દિક પટેલ અને કૌશિક પટેલ ઉપર ફરિયાદ નોંધાઇ હતી. જેમાં ધ્રાંગધ્રા સમિતિના કન્વીનર કૌશિક પટેલ તથા હાર્દિક પટેલ પર તાલુકા પોલીસે ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં આજરોજ ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકે હાર્દિક પટેલ અને કૌશિક પટેલ દ્વારા જામીનની કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં મોટી સંખ્યામાં પાટીદાર સમાજ ઉમટી પડ્યો હતો હાર્દિક પટેલ સાથે મહિલા પાસ કન્વિનર ગીતાબેન પટેલ, ભાવેશભાઈ પટેલ, અલ્પેશ પટેલ વગેરે પાસના કાર્યકર્તા ઓ મોટી સંખ્યામાં તાલુકા પોલીસ મથકે હાજર રહ્યા હતા અને શાંતિપૂર્ણ રીતે જામીનની પ્રક્રિયા પૂર્ણ કરી હતી.