જામનગર,તા.૧૦
ધ્રોલ તાલુકાના મોટા વાગુદડ ગામમાં રહેતા ચંંદુભા કલુભા જાડેજા નામના ગરાસીયા પ્રૌઢનાં મોટા પુત્ર ક્રિપાલસિંહ ચંદુભા ઉર્ફે કાના (ઉ.વ. ૨૭)નો શરાબની લત વળગી હતી. અવારનવાર શરાબનો નશો કરી ઘેર આવતા ક્રિપાલસિંહ ઘરના સદસ્યો સાથે ગાળાગાળી અને મારકૂટ કરતા હતાં. જેથી ક્રિપાલસિંહના પત્ની થોડા સમય પહેલાં પિયર ચાલ્યા ગયા હતાં. તે પછી ચારેક મહિના પહેલાં આ દંપતીએ છૂટાછેડા મેળવ્યા હતાં. દરમ્યાન ગઈકાલે સાંજે ક્રિપાલસિંહ પોતાના પિતા સાથે વાડીએ હતા ત્યારે કોઈ બાબતે પિતા-પુત્ર વચ્ચે બોલાચાલી થતા ક્રોધે ભરાયેલા ચંદુભાએ પુત્ર પર હાથ ઉપાડ્યા પછી તેને જમીન પર પટકી દીધો હતો અને પોતાના હાથથી ગળાટુપો આપી દેતા થોડી સેકન્ડો માટે તરફડ્યા પછી ક્રિપાલસિંહે દમ તોડી દીધો હતો. ધ્રોલ પોલીસે આ અંગે તપાસ આદરી છે.