જામનગર, તા. ૨૩
સૌરાષ્ટ્રના સૌથી મોટા યુદ્ધ તરીકે ભૂચર મોરીના યુદ્ધની ગણના થાય છે. આ ભીષણ યુદ્ધનો અંત વિક્રમ સંવત ૧૬૪૮ના શ્રાવણ વદ સાતમના દિવસે આવ્યો હતો. આ ઐતિહાસિક વીરતા સભર યુદ્ધની સ્મૃતિમાં શ્રાવણ વદ સાતમના યુદ્ધમાં વીરગતિ પામનાર યોદ્ધાઓને શ્રદ્ધાંજલિ-વીરાંજલિ આપવાની પરંપરા સાથે કાર્યક્રમ યોજવામાં આવે છે. આ વર્ષે ભૂચરમોરીના મેદાન પર બે હજાર રાજપૂતાણીઓએ સમૂહમાં તલવાર રાસ રજુ કરી વીરગતિ પામનાર યોદ્ધાઓને છાજે તેવા ભાવ સાથે શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.
આજે શીતળા સાતમના દીને ભારત સરકારના કેન્દ્રીય મંત્રી જનરલ વી.કે. સીંઘ, ગુજરાત રાજ્યના મંત્રી ધર્મેન્દ્રસિંહ (હકુભા) જાડેજા તેમજ અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘના મંત્રી જયદેવસિંહ ગોહીલ, રાજપૂત સમાજના હાલારના બન્ને જિલ્લાના આગેવાનો, આ ઉપરાંત સૌરાષ્ટ્ર-ગુજરાતમાંથી પધારેલા ક્ષત્રીય આગેવાનો, વડીલો, ગામે ગામથી આવેલા રાજપૂત સમાજના ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં વીરાંજલિ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતાં. કેન્દ્રીય મંત્રી વી.કે. સીંઘના હસ્તે દીપ પ્રાગટાવી વીર શહીદોને શ્રધ્ધાંજલી અર્પણ કરવામાં આવી હતી. ત્યાર પછી શહીદોના સ્મારક સ્થળે લોકોએ શ્રધ્ધાંજલી અર્પણ કરી હતી અને ભૂચર મોરીના મેદાન પર વિશ્વ રેકોર્ડ સ્થાપિત કરનાર તલવાર રાસ રજુ થયો હતો.
કોઈ પણ એક સ્થળે એક સાથે એક જ જ્ઞાતિ/સમાજની બે હજાર બહેનો તલવાર રાસ રજુ કરે તે બાબત વિશ્વ રેકોર્ડ બની રહી છે અને તેનો ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં વિશ્વ રેકોર્ડ તરીકે અંકિત કરવામાં આવશે.