જામનગર, તા.૧૯
ધ્રોલના નથુવડલામાંથી છ દિવસ પહેલા ત્યજી દેવાયેલી હાલતમાં મળેલા નવજાત શિશુના મૃત્યુ પછી વેગવંતી બનેલી તપાસમાં પોલીસે તેની માતાને શોધી કાઢી છે. આ શ્રમિક યુવતી તેના બનેવીના પ્રેમસંબંધથી ગર્ભવતી બન્યા પછી તેણીએ જ બાળકનો જન્મ છુપાવવા તેને રેઢું મૂક્યાની વિગતો બહાર આવી છે. પોલીસે તે યુવતી તથા તેના બનેવીની ધરપકડ કરી છે.
ધ્રોલ તાલુકાના નથુવડલા ગામની સીમમાંથી ગયા શનિવારે એક નવજાત શિશુ ત્યજી દીધેલી હાલતમાં અને જીવિત અવસ્થામાં જોવા મળતા એક વ્યક્તિએ પોલીસને જાણ કરી હતી. દોડેલા પોલીસ કાફલાએ તે બાળકને સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં મોકલાવી આપી. આ બાળકને જન્મ આપી ત્યાં રેઢું મૂકી નાસી જનાર માતા સામે ગુન્હો નોંધ્યો હતો તે દરમ્યાન સારવારમાં રહેલા આ બાળકને કમળો થઈ જતાં તેણે બુધવારે અંતિમ શ્વાસ લીધા હતા.
કઠણ કાળજાની માતાની પોલીસે યથાવત રાખેલી તપાસ દરમ્યાન ધ્રોલ તાલુકાના મજોઠ ગામમાં આવેલા એક ખેડૂતના ખેતરમાં વસવાટ કરી ત્યાં ખેતમજૂરી કરતી પરપ્રાંતિય આદિવાસી યુવતી ગર્ભવતી બની હતી તેવી વિગતો પોલીસને મળતા પોલીસે તે દિશામાં તપાસ હાથ ધરતા ત્યાંથી મળેલી વીસ વર્ષની યુવતીએ પોતે જ આ બાળકને ધ્રોલની સરકારી હોસ્પિટલમાં જન્મ આપ્યા પછી તેને નથુવડલાની સીમમાં મૂકી દીધું હોવાની કબૂલાત આપી હતી.
આ યુવતીની ઘનિષ્ઠ પૂછપરછ કરાતા તેણીએ સમગ્ર બનાવની વિગતો વર્ણવી હતી. પોલીસે તે યુવતી તથા તેના બનેવી પ્રદીપની ધરપકડ કરી છે.