જામનગર,તા.૭
ધ્રોલમાં ફાયરીંગ કરી એક યુવાનની નિપજાવાયેલી હત્યાના ઝડપાયેલા બે આરોપીઓ તેમજ અન્ય આરોપીઓની વિગત રેન્જ આઈજીએ પત્રકારોને પુરી પાડી છે. હરિયાણાથી હથિયાર સપ્લાય કરનાર શખ્સને પણ હરિયાણામાં અટકાયતમાં લેવામાં આવ્યો હોવાનું અને હત્યામાં કુલ ૭ સંડોવાણી હોવાનું જણાવ્યું છે. ધ્રોલના ત્રિકોણ બાગ પાસે ગઈકાલે બપોરે મુળ મજોઠ ગામના દિવ્યરાજસિંહ જદુવીરસિંહ જાડેજા તથા તેમના મિત્ર જયદિપસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા આવ્યા હતાં. જ્યાંથી કામ પૂર્ણ કર્યા પછી બન્ને વ્યક્તિઓ નજીકમાં જ પાર્ક કરેલી પજેરો મોટરમાં બેવા માટે આગળ વધ્યા ત્યારે જ ધસી આવેલા જામનગર અનિરૃધ્ધસિંહ સોઢા તથા રાજકોટના મુસ્તાક રફીક પઠાણ નામના બે શખ્સે ધક્કો મારી દિવ્યરાજસિંહને જમીન પર પછાડી તેમના પર રિવોલ્વરમાંથી ફાયરીંગ કરી ગંભીર ઈજા પહોંચાડી હતી. તે પછી બન્ને શખ્સ પોતાની જીજે-૩ જેઆર-૮૨૧૮ નંબરની મોટરમાં પૂરપાટ ઝડપે નાસી ગયા હતાં. જામનગર ખસેડાયેલા ઈજાગ્રસ્તનું મૃત્યુ નિપજતાં આ બનાવ હત્યામાં પલ્ટાયો હતો.ઉપરોક્ત બનાવની ધ્રોલ પોલીસે જામનગર એસ.પી. શરદ સિંઘલને જાણ કરતાં રેન્જ આઈ.જી. સંદીપસિંઘને પણ વિગતો આપવામાં આવી હતી. તેઓએ જામનગર ઉપરાંત રાજકોટ, મોરબી અને દ્વારકા જિલ્લામાં નાકાબંધીનો આદેશ કર્યો હતો. ત્યારે જ મોરબીની એ ડિવિઝન પોલીસે તાત્કાલીક શરૃ કરેલી ચેક પોસ્ટ પર ધ્રોલ તરફથી ધસી આવતી સફેદ રંગની સ્વિફટ મોટર ઝડપાઈ ગઈ હતી. જેમાંથી અનિરૃધ્ધસિંહ, મુસ્તાક રફીક પઠાણ મળી આવ્યા હતાં. તેઓનો કબ્જો જામનગર એલસીબીએ સંભાળ્યા પછી પુછ પરછ હાથ ધરતા બન્ને શખ્સોએ ધ્રોલના હાડાટોડા ગામના ઓમદેવસિંહ ગણપતસિંહ જાડેજા સાથે રાજકોટની કોઈ જમીન બાબતે પૈસાની લેતી દેતીના મામલે તકરાર હોય તેણે સોનું તથા બબલુ નામના શાર્પ સુટરને બોલાવી ધ્રોલમાં રહેવાની વ્યવસ્થા કરી આપ્યાની અને હાડાટોડાના જ નરેન્દ્રસિંહ ઉર્ફે કાનાની મદદથી મૃતકની રેકી કરાવ્યા પછી અનિરૃધ્ધસિંહ સોઢાને અગાઉનો ઝગડો હોય હરિયાણાના પલવલ ગામના અજીત ઠાકુર પાસેથી હથીયાર મંગાવી ગઈકાલના બનાવને અંજામ આપ્યાની કબુલાત આપી છે. હાલમાં ઝડપાયેલા આરોપીઓને રીમાન્ડ પર લેવાની તજવીજ કરવામાં આવી રહી છે. અને બાકીના આરોપીઓને નજીકના સમયમાં પકડી પાડવામાં આવશે તેમ આઈજીએ ઉમેર્યું છે.