(સંવાદદાતા દ્વારા) જામનગર, તા.૨
જામનગરના ધ્રોલ નજીકના સોયલ ટોલનાકે બે મોટરમાં ધસી આવેલા ત્રણ શખ્સોએ ફરજ પર હાજર રૂટ ઓપરેશન મેનેજરને કોન્ટ્રાક્ટ અથવા રૂા.વીસ લાખ રોકડા આપો તેવી માગણી કરી મોટરમાં બળજબરીથી બેસાડી ગોંધી રાખ્યાની પોલીસમાં ફરિયાદ નોંધાવાઈ છે.
રાજકોટ નજીકની માધાપર ચોકડી પાસે વસવાટ કરતા અને સોયલ ટોલનાકા પર રૂટ ઓપરેશન મેનેજર તરીકે ફરજ બજાવતા યોગેશકુમાર રમેશભાઈ ત્રિપાઠી બપોરે ફરજ પર હાજર હતા. ત્યારે જામનગર તાલુકાના લાખાણી ગામના જુવાનસિંહ જાડેજા, ધ્રોલના દિવ્યરાજસિંહ જાડેજા, રમજાનભાઈ નામના ત્રણ શખ્સો જીજે-૧૦-સીએન-૭૨ નંબરની સ્કોર્પીયો મોટર તેમજ બ્રાઉન રંગની નવી મોટરમાં ધસી આવ્યા હતા.
આ શખ્સોએ યોગેશકુમારને ટોલનાકાની ઓફિસમાં પ્રવેશી ગાળો ભાંડી અમારા માણસોને કામ પર રાખવાનો કોન્ટ્રાક્ટ આપો અથવા રૂા.વીસ લાખ રોકડા આપી દો તેમ કહી જાનથી મારી નાખવાની ધમકી આપી યોગેશકુમારને ટોલનાકાની ઓફિસમાંથી બહાર કાઢી મોટરમાં બળજબરીથી બેસાડી થોડીવાર સુધી ગોંધી રાખ્યા હતા. તે પછી ત્રણેય શખ્સો યોગેશકુમારને ઉતારી મૂકી નાસી ગયા હતા. આ બાબતની ધ્રોલ પોલીસ સ્ટેશનમાં યોગેશકુમારે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીઓની શોધખોળ શરૂ કરી છે.