વડોદરા, તા.ર

નકલી પરિવાર ઊભો કરી વડોદરા શહેરના યુવક સાથે યુવતીના લગ્ન કરાવી ૧.૫ લાખ રૂપિયા રોકડા, સોના-ચાંદીના દાગીના અને મોબાઈલ ફોન સહિતની મત્તા લઈ દુલ્હન ફરાર થઈ જવાનો બનાવ જવાહરનગર પોલીસ મથકે નોંધાયો હતો. જવાહરનગર પોલીસે નાટકીય રોલ ભજવનાર પરિવારના ૬ શખ્સો વિરૂદ્ધ છેતરપિંડી અને વિશ્વાસઘાતની કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. શહેર નજીક આવેલ કરચિયા ગામની બળદેવનગર ઝૂંપડપટ્ટીમાં રહેતા આકાશ કોળી છૂટક મજૂરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. જવાહરનગર નોંધાયેલી પોલીસ ફરિયાદમાં તેણે જણાવ્યું હતું કે, ગયા વખતે મારા ઘરે કલર કામ માટે આવેલ અકબર નામના વ્યક્તિને મેં જણાવ્યું હતું કે, મારે લગ્ન કરવા છે તો કોઈ છોકરી હોય તો બતાવજો જેથી અકબરે રામપાલ રાજપૂત (રહે. ઈનદીરાનગર કરચિયાગામ)નો સંપર્ક કરાવ્યો હતો. ત્યારબાદ રામપાલે અન્ય મણિલાલ નામના વ્યક્તિ સાથે સંપર્ક કરાવતા તેણે લગ્ન પેટે ૫૦,૦૦૦ની માંગ કરતા ચૂકવણી કરી હતી. ત્યારબાદ આણંદ ખાતે રહેતા પરેશ પંચાલને મળી છોકરી જોવા માટે રાસ ગામે એકલવ્ય એપાર્ટમેન્ટ ખાતે ગયા હતા. જ્યાં એક સોનલ નામની છોકરી તથા છોકરીના મામા તરીકે અરવિંદ સોલંકી સાથે મુલાકાત કરાવી હતી.

છોકરી જોઈને લગ્ન નક્કી કર્યા બાદ ફૂલહારની વાતચીત કરી અરવિંદએ જણાવ્યું હતું કે, સોનલના પિતાની જમીન ગીરવે છે તે છોડવા માટે ૧ લાખ રૂપિયાની જરૂર છે જે બાદ ગણતરીના દિવસોમાં ફુલહારની વિધિ પૂરી કરી હતી જેના બીજા દિવસે સોનલના મામા અરવિંદે ફોન કરી તાત્કાલિક ૧ લાખ રૂપિયાની માંગ કરતા મેં ૧ લાખની ચૂકવણી કરી હતી જેનું કાચું લખાણ આપ્યું હતું. લગ્નના એક માસ બાદ અરવિંદ સોલંકીએ જણાવ્યું હતું કે, બાધા પૂરી કરવા માટે સોનલને તેડી જવાની છે. આ દરમિયાન સોનલ સોનાની બુટ્ટી, સોનાની ચેન, સોનાનું મંગળસૂત્ર, ચાંદીની ઝાંઝરી, ચાંદીના વિટલા, સોનાની નથડી સાથે લઈ ગઈ હતી અને ત્યારબાદ સોનલ પરત ન ફરતા તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, સોનલનો પરિવાર અન્ય લોકો સાથે પણ આ પ્રમાણે નાટક રચી સોનલના લગ્ન અન્ય લોકો સાથે કરાવી પૈસા પડાવવાનો ધંધો કરે છે. ફરિયાદના આધારે જવાહરનગર પોલીસે આણંદના પરેશ પંચાલ, અરવિંદ સોલંકી, પારૂલ, ધર્મેન્દ્ર, મણિલાલ સોલંકી અને સોનલ વિરૂદ્ધ છેતરપિંડીની ફરિયાદ કરી ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છેે.