(એજન્સી) પ્રયાગરાજ, તા.૩
બી.આર. આંબેડકર યુનિવર્સિટી આગ્રાની નકલી માર્કશીટ પર નોકરી કરવાની આરોપી શિક્ષિકાને સેવામાંથી હટાવવાનો આદેશ રદ્દ કરતા તેની પાસેથી પ૩ લાખ રૂપિયાથી વધુની વસૂલીની નોટિસ પર હાઈકોર્ટે પ્રતિબંધ લગાવી દીધો છે. કોર્ટે પ્રાથમિક શિક્ષણ વિભાગને નિર્દેશ આપ્યા છે કે, શિક્ષિકાને સેવામાં પરત લઈને આગામી આદેશ સુધી તેને નિયમિત વેતનની ચૂકવણી કરવામાં આવે. ઓરૈયાની સહાયક શિક્ષિકા નીલમ ચૌહાણની અરજી પર જજ પંકજ ભાટિયાએ આ આદેશ આપ્યો છે.
નીલમના વકીલ સિમાંતસિંહ મુજબ નીલમે બી.આર. આંબેડકર યુનિવર્સિટીમાંથી બી.એડની ડિગ્રી મેળવી છે. ૧૪ ડિસેમ્બર ર૦૦૯એ તેની નિમણૂક પ્રાથમિક સ્કૂલમાં સહાયક શિક્ષિકા તરીકે થઈ. ત્યાર બાદ બઢતી મેળવીને તે જૂનિયર હાઈસ્કૂલમાં સહાય શિક્ષિકા થઈ ગઈ. પ્રાથમિક શિક્ષણ અધિકારી ઓરૈયાએ ર૬ જૂન ર૦એ કારણ બતાવો નોટિસ જારી કરી કે તે નકલી માર્કશીટ પર નોકરી કરી રહી છે. નીલમે નોટિસનો જવાબ આપ્યો, ત્યારબાદ ર૯ જૂન ર૦એ તેને સેવામાંથી હટાવી દેવામાં આવી. ૩ જુલાઈ ર૦એ તેને પ૩ લાખ ર૮ હજાર ૩૩૪ રૂપિયાની વસૂલી નોટિસ પણ જારી કરવામાં આવી.
વકીલનું કહેવું હતું કે, હાઈકોર્ટની એકલપીઠના આધારે વિભાગે નકલી માર્કશીટવાળા શિક્ષકોને સસ્પેન્ડ કરવા અને વસૂલીની પ્રક્રિયા શરૂ કરી હતી. આ આદેશ પર નીલમ ચૌહાણની સ્પેશિયલ અપીલ પર હાઈકોર્ટની ખંડપીઠે રપ ઓગસ્ટ ર૦ર૦એ પ્રતિબંધ લગાવી દીધો છે. આવામાં નોકરીમાંથી હકાલપટ્ટી અને વસૂલી આદેશ બંને જ ઔચિત્યહીન છે. કોર્ટે નીલમની હકાલપટ્ટીનો આદેશ રદ્દ કરતા વસૂલી નોટિસ પર પણ પ્રતિબંધ લગાવી દીધો છે. તેમજ તેને સેવામાં લઈને નિયમિત વેતનની ચૂકવણી કરવાના નિર્દેશ આપ્યા છે.