વડોદરામાં ચીમકી આપતી નોટિસ અપાતા વિવાદ સર્જાયો

ર૦૦ મકાન અને દુકાનોની જમીન બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં સંપાદન કરવાની કાર્યવાહી

(સંવાદદાતા દ્વારા) વડોદરા, તા.૨૦
વડોદરા શહેરના પંડ્યા બ્રિજની આજુબાજુમાં આવેલી વસાહતોના ૨૦૦ મકાન અને દુકાનોની જમીન બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં સંપાદન કરવાની કાર્યવાહીમાં વહીવટીતંત્રએ જે રકમ નક્કી થાય તે રકમ નહીં સ્વીકારો તો પોલીસ કાર્યવાહી કરીને પણ જમીન નો કબ્જો મેળવી લઈશું તેવી ચીમકી આપતી નોટિસ આપવામાં આવતા વિવાદ સર્જાયો છે. આ અંગે આવતીકાલ તારીખ ૨૧ મી ના રોજ બપોરે એકતા ગ્રામીણ પ્રજા વિચાર મંચની આગેવાનીમાં સ્થાનિક રહીશો અને વેપારીઓ જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી રજૂઆત કરનાર છે.
ઉલ્લેખનીય છે કે, વડોદરા શહેરમાંથી હાલની મુખ્ય રેલવે લાઈનની બાજુ માંથી બુલેટ ટ્રેન નો ટ્રેક પસાર થઇ રહ્યો છે. તેને ધ્યાનમાં રાખીને હાલના રેલ્વે ટ્રેકની આજુબાજુમાં આવેલી મિલકતો અને જમીનો સંપાદન કરવાની કાર્યવાહી હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવી રહી છે ત્યારે વડોદરા શહેરના શાસ્ત્રી બ્રિજ પાસે આવેલી નાણાવટી ચાલી ફરામજી ચાલી શંકર વાડીની જમીન સંપાદન કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.આ જમીન ઉપર આઝાદી પૂર્વે ૧૯૦૨માં બાંધવામાં આવેલો નાણાવટી મેન્શન બંગલો પણ છે અને ૨૦૦ મકાન અને દુકાન પણ તૂટશે તેવે સમયે આ વસાહતના રહીશો અને વ્યાપારીઓને હાઇ સ્પીડ રેલ કોર્પોરેશન અને જિલ્લા કલેકટરના જમીન સંપાદન અધિકારી દ્વારા નોટિસો આપવામાં આવી છે.
આ નોટિસમાં સ્પષ્ટ જણાવ્યું છે કે હાઈ સ્પીડ રીયલ કોર્પોરેશન અને જમીન સંપાદન અધિકારી જમીનનું જે વળતર નક્કી કરે તેમાં રહીશો સંમતિ એવોર્ડ નહીં કરો અને રેગ્યુલર એવોર્ડ કરીશું અને જે રકમ નક્કી કરીએ તે પ્રમાણે રકમ સ્વીકારવામાં નહીં આવે તો તમારી સામે પોલીસ કાર્યવાહી કરીને પણ મકાનો અને દુકાનો નો કબજો લઈ લઈશું.
નોટિસમાં ધમકીભર્યા શબ્દો લખવામાં આવતા સ્થાનિક રહીશોમાં રોષ વ્યાપ્યો હતો અને તેમણે તાજેતરમાં એકતા ગ્રામીણ પ્રજા વિચાર મંચના પ્રમુખની આગેવાનીમાં તાજેતરમાં એક બેઠક યોજી હતી. જેમાં નોટિસ અને જમીનના વળતર અંગે ની ચર્ચા-વિચારણા કરી તારીખ ૨૧મીના રોજ બપોરે જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવાનું નક્કી થયું હતું.
બેઠકમાં વળતર અંગે સરકાર અને હાઇ સ્પીડ રેલ કોર્પોરેશન પ્રતિ ચોરસ ફૂટના રૂપિયા ૩૦૦૦ નો ભાવ આપવા માગે છે અને તેની ઉપર સો ટકા વધારો મળી પ્રતિ ચોરસ ફૂટના રૂ.૬૦૦૦ આપવા માગે છે. તેની સામે હાલમાં વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જમીનની હરાજી કરીને વેચાણ કરવાનો ભાવ નક્કી કર્યો છે. તે ભાવ આપવા માગણી કરી છે.