(સંવાદદાતા દ્વારા) વિસનગર, તા.૨૧
વિસનગરના લાલ દરવાજા વિસ્તારમાં વિસનગર નગરપાલિકાના વોર્ડ નં.રના વિસનગર જાગૃત કોર્પોરેટરના પ્રયત્નોથી જૂની એસબીઆઈના મકાનમાં રૂપિયા ૪૦ લાખ જેટલી માતબર રકમના ખર્ચે અદ્યતન કોમ્યુનિટી હોલના નિર્માણનું કામ શરૂ થઈ ગયું છે. વર્તમાન સમયમાં કારમી મોંઘવારીમાં જુદા-જુદા પ્રસંગોમાં હોલ અને પાર્ટી પ્લોટના ભાડા મધ્યમ વર્ગ તેમજ ગરીબોને પોષાય તેમ નથી ત્યારે આવા સંજોગોમાં આ વિસ્તારના કોર્પોરેટરોના પ્રયત્નોથી નિર્મિત થઈ રહેલ હોલ આશીર્વાદરૂપ સાબિત થશે. આ કામગીરી વિસ્તારના લોકોમાં હર્ષની લાગણી જોવા મળી રહી છે. વિસનગર નગરપાલિકાના વોર્ડ નં.રના કોર્પોરેટર ઈકબાલભાઈ મેમણ, ઉપપ્રમુખ ભાવનાબેન રબારી, નુરજહાંબેન સિંધી તથા રણછોડભાઈ ભીલના સહિયારા પ્રયત્નોથી વિકાસના અનેક કામો થયા છે. ત્યારે લાલ દરવાજા વોટર વર્કસની પાસે આવેલ જૂની એસબીઆઈ બેંકનું મકાન આઠથી દસ વર્ષના સમયથી ખાલી પડ્યું હતું. જો કે, અગાઉ ભાજપના બોર્ડમાં કોમ્યુનિટી હોલ બનાવવાના પ્રયત્નો થયા હતા. જો કે, તેમાં કોઈ પ્રગતિ થઈ ન હતી. ત્યારબાદ કોંગ્રેસ અને વિકાસ મંચનું શાસન આવ્યું ત્યારથી આ વોર્ડના ચારેય સભ્યો દ્વારા આ મકાનમાં કોમ્યુનિટી હોલ બને તેવો સહિયારો પ્રયત્ન હાથ ધરવામાં આવ્યો હતો. જેમાં સતત રજૂઆતો બાદ સફળતા મળતા હાલ રૂા.૪૦ લાખની માતબર રકમના ખર્ચે હાલ અદ્યતન કોમ્યુનિટી હોલ બનાવવાનું કામ શરૂ થઈ ગયું છે. જો કે, આ કામ શરૂ થયું તે અગાઉ અનેક લોકો દ્વારા ચારેય કોર્પોરેટરોની કામગીરીના માર્ગમાં રોડા નાખવામાં આવ્યા હતા અને આ વિસ્તારમાું આટલી મોટી રકમ ન ખર્ચાય જેવા નિવેદનો પણ કરાયા હતા. જો કે, આ કોર્પોરેટરોએ વિસ્તારના વિકાસ માટે અડગ રહી અનેક વિઘ્નો અને અડચણોનો સામનો કરી પ્રયત્નો થકી કોમ્યુનિટી હોલ બનાવાની માંગ બુલંદ કરી હતી. જેમાં સફળતા હાંસલ થતાં હાલ નગરપાલિકા દ્વારા કોમ્યુનિટી હોલ નિર્માણની કામગીરી શરૂ થઈ ગઈ છે. આવનાર દિવસોમાં આ હોલ અનેક પ્રસંગો અને કાર્યક્રમોમાં વિસ્તારના ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે ઉપયોગી થઈ પડે છે. વોર્ડના કોર્પોરેટરોની કામગીરીથી વિસ્તાર સહિતના વિસનગરના અનેક લોકો ચારેય કોર્પોરેટરોને ખૂબ બિરદાવી રહ્યા છે.