(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૬
સુરત મહાનગરપાલિકાની આજે મળેલી ખડી સમિતિમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શાસનાધિકારી તરીકે વિજય દેસાઈ અને વેટીંગમાં સુરેશ અવૈય્યાની પસંદગી સામાન્ય સભાની મંજૂરીની અપેક્ષા કરી છે. કાર્યપાલક ઈજનેર માટે ઈન્ટરવ્યૂહ ૧૭મી એપ્રિલના રોજ રાખવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે. મનપાની શિક્ષણ સમિતના શાસનાધિકારી હિતેશ માખેચા પ્રોબિશનલ પીરીયડ દરમિયાન જ વિવાદી કામગીરીના લીધે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. સ્થાયી સમિતિ દ્વારા કરવામાં આવેલ સસ્પેન્શનના વિરોધમાં હિતેશ માખેચા કોર્ટમાં ગયા હતા. પાલિકા દ્વારા શિક્ષણ સમિતિનું વહીવટ ચલાવવા માટે શાસનાધિકારીની નિયુક્તિ કરવા કોર્ટ પાસે મંજૂરી માગી હતી. કોર્ટ દ્વારા હિતેશ માખેચાના કેસમાં જે નિર્ણય આવે તેને આધિન મનપાને શાસનાધિકારીની પસંદગી કરવા આદેશ કર્યો હતો. આજે મનપાની ખડી સમિતિમાં શિક્ષણ સમિતિના નવા શાસનાધિકારી તરીકે વિમલ મફત દેસાઈની તેમજ વેટીંગ તરીકે સુરેશ અવૈય્યાની પસંદગી સામાન્ય સભાની મંજૂરીની અપેક્ષાએ કરવામાં આવી છે. સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા વિમલ દેસાઈ અને મનપાની સુમન હાઈસ્કૂલના આચાર્ય સુરેશ અવૈય્યાએ કોર્ટના ચૂકાદાને આધિન શાસનાધિકારીનો પદભાર સ્વીકારવાનો રહેશે. કાર્યપાલક ઈજનેરની ૨ પોસ્ટ માટે ખડી સમિતિ સમક્ષ ૨૪ અરજીઓ આવી છે જેના ઈન્ટરવ્યૂહ ૧૭મી એપ્રિલે લેવાનો નિર્ણય આજની ખડી સમિતિમાં લેવાયો હતો.