(એજન્સી) કરબલા, તા. ૮
દર વર્ષે હઝરત ઇમામ હુસૈન(રદી.)ના ચેહલૂમ પર ઇરાકના કરબલા શહેરમાં કરોડો લોકો અરબૈન ઝિયારત માટે પહોંચે છે પરંતુ આ વખતે કોરોના વાયરસનો હોવા છતાં પણ લાખો લોકો ચેહલૂમ પર તેમના મઝાર પર પહોંચ્યા હતા. ઇરાન અને આસપાસના દેશોમાંથી પણ ઝાયરિનો કરબલામાં ઉમટી પડ્યા હતા. અરબૈન યાત્રા માટે સામાન્ય રીતે લોકો નજફમાં હઝરત અલી(રદી.)ના રોઝાથી આશરે ૧૩૦ કિલોમીટર દૂર કરબલા માટે પગપાળા જ ચાલીને જાય છે જેમાં અઢી કરોડથી વધુ લોકો સામેલ થાય છે. આ વખતે અનેક અંકુશો હોવા છતા પણ લોકોએ પોતાના ઇમામની ઝિયારત માટે પડાપડી કરી હતી.
ઇરાનમાંથી આવેલા ઝાયરિનોએ આ વખતે પોતાના નેતા કાસિમ સુલેમાનીના પોસ્ટર તથા ઇરાકના લોકોએ ઇરાકના લેફ્ટનેન્ટ અબુ મહદીના પોસ્ટરો લઇને પગપાળા અરબૈનની યાત્રા કરી હતી. આ બંને નેતાઓ ગયા વર્ષે અમેરિકાના એક હુમલામાં મોતને ભેટ્યા હતા. ઇરાકના વિવિધ વિસ્તારોમાંથી સેંકડો કિલોમીટર અને અનેક દિવસો સુધી ચાલીને લોકો હઝરત ઇમામ હુસૈન(રદી.)ના રોઝા પર પહોંચે છે. ઝિયારત માટે લોકો બુધવારે રાતથી જ કરબલા પહોંચવાનું શરૂ થઇ ગયા હતા. કરબલામા ંપહોંચતા જ લોકો શોક અને ચોધાર આંસુએ રડતા જોવા મળે છે. પોતાના ઇમામની મહોબ્બતમાં ઝાયરિનો મહામારીના ભયને પણ ભૂલી ગયા હોય તેમ લાખો લોકો કરબલામાં પહોંચી ગયા હતા. આ વર્ષે કોરોના મહામારીના પગલે બીજા દેશોના લોકો ઇરાક પહોચી શક્યા નહીં તેની અસર અરબૈનની યાત્રા પર દેખાઇ હતી. ઉલ્લેખનીય છે કે, અરબૈનની યાત્રામાં કરોડો લોકો વિદેશથી જ આવે છે. આ દરમિયાન સ્થાનિક લોકોએ અરબૈનની યાત્રા કરી ત્યારે તેમણે હાથમાં બેનરો રાખ્યા હતા અને તેમાં લખ્યું હતુ કે, તેઓ પોતાના વિદેશી ભાઇ-બહેનોનું પ્રતિનિધિત્વ કરતા ઇમામ હુસૈન(રદી.)ના રોઝાની ઝિયારત કરશે અને તેમના સલામ ઇમામને પહોંચાડશે. પવિત્ર કરબલા શહેરમાં અરબૈનના દિવસે ઇમામ હુસૈન(રદી.) માટે વિશેષ ઝિયારત પઢવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં ઝાયરિનોએ ભાગ લીધો હતો.