નવી દિલ્હી,તા.૪
અફઘાનિસ્તાનના ઓપનર નજીબુલ્લાહ તારકાઈ એક કાર દુર્ઘટનામાં ગંભીર રીતે ઘાયલ થયા છે. નજીબુલ્લાહ તારકાઈ પૂર્વ નંગરહારમાં રસ્તો પાર કરી રહ્યો હતો, જ્યારે તેને એક કારે ટક્કર મારી દીધી. અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડના વચગાળાના ચીફ એક્ઝક્યૂટિવ નઝીમ જર અબ્દુલરહીમજઈએ ક્રિકબઝને જણાવ્યું કે ૨૯ વર્ષીય નજીબુલ્લાહ આઈસીયૂમાં છે અને તેની સ્થિતિ સ્થિર બનેલી છે. ડૉક્ટરોએ કહ્યું છે કે તે ગંભીર રીતે ઘાયલ થયો છે, તેઓ હજુ તેના વિશે નિશ્ચિત રીતે નથી કહી શકતા. મીડિયા રિપોર્ટ્‌સ મુજબ, નજીબુલ્લાહ હાલ કોમામાં છે. તેના માથા પર ઘણી ઈજા થઈ છે અને તેની સારવાર ચાલી રહી છે. આ દુર્ઘટનાના ૨૪ કલાક બાદ પણ ક્રિકેટર બેભાન જ છે. તારકાઈને જલાલાબાદ શહેરમાં એક કારે ટક્કર મારી હતી. નોંધનીય છે કે, તારકાઈએ માર્ચ ૨૦૧૪માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું. અત્યાર સુધી તે ૧૨ ટી-૨૦ અને એક વન ડે અફઘાનિસ્તાન માટે રમી ચૂક્યો છે. ટી-૨૦માં તેણે ચાર અડધી સદીની સાથે ૨૫૮ રન કર્યા છે. તે ૨૪ ફર્સ્‌ટ કલાસ મેચ પણ રમી ચૂક્યો છે. તેમાં તેણે ૪૭.૨૦ની સરેરાશથી ૨૦૩૦ રન કર્યા છે. તેમાં ૬ સદી અને ૧૦ અડધી સદી સામેલ છે. ૧૭ લિસ્ટ-એ મેચોમાં તારકાઇએ ૩૨.૫૨ની સરેરાશથી ૫૫૩ રન કર્યા, જેમાં એક સદી અને ત્રણ અડધી સદી સામેલ છે. ૩૩ ટી-૨૦ મેચોમાં તેણે ૧૨૭.૫૦ના સ્ટ્રાઇક રેટથી ૭૦૦ રન કર્યા છે. હાલમાં તેણે શાપાગીજા ક્રિકેટ લીગમાં મીસ આઇનક નાઇટ્‌સનું પ્રતિનિધિત્વ કર્યું હતું. મીડિયામાં પ્રકાશિત અન્ય એક રિપોર્ટ મુજબ, અફઘાનિસ્તાનમાં થયેલા એક બ્લાસ્ટમાં આઇસીસી અમ્પાયર બિસ્મિલ્લાહ જન શિનવારીનું મોત થઈ ગયું છે. અફઘાનિસ્તાનના નાંગરહાર પ્રાંતમાં રસ્તા કિનારે શનિવારે એક બ્લાસટ થયો. મળતી માહિતી મુજબ આ બોમ્બ બ્લાસ્ટમાં લગભગ ૧૫ લોકોનાં મોત થયા છે, જ્યારે ૩૦ અન્ય ઘાયલ છે.